રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને મનોવિજ્ઞાન ભવન દ્વારા લોકડાઉન અને કોરોનાની મહામારીમાં મનોવૈજ્ઞાનિક સધીયારો આપીને હજારો લોકોને માનસીક મજબૂત બનાવ્યા છે. આ મનોવિજ્ઞાન ભવને શરૂ કરેલા કાઉન્સીલીંગને આજે એક વર્ષ પૂરું થયું અને આ કાઉન્સીલીંગની પ્રવૃતિઓનું સંકલન ગ્રંથ સ્વરૂપે આજે ખુલ્લુ મુકાયું હતું અને કોવિડ-19 દરમિયાન જીવનનું મનોવિજ્ઞાન બુકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. મનોવિજ્ઞાન ભવન કોરોના કાળમાં લગભગ 60,000થી વધુ લોકોને માનસિક સધીયારો આપ્યો હતો અને તેના સ્વરૂપે મનોવિજ્ઞાન ભવન બિરદાવવા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય ધરમભાઈ કાંબલીયા, નિદતભાઈ બારોટ, ભાવિનભાઈ કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.મનોવિજ્ઞાનીક સલાહના અનુભવોને એકત્ર કરીને મનોવિજ્ઞાન ભવન દ્વારા કોવિડ-19 દરમિયાન જીવનનું મનોવિજ્ઞાન પુસ્તકનું લખાણ લખવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં એક વર્ષ દરમિયાન મનોવિજ્ઞાન ભવન અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માનસીક સ્વાસ્થ્ય પણ મનોમંથનનું પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બન્ને પુસ્તકનું વિમોચન આજે એકી સાથે સેનેટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે શિક્ષણ સંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણના ભવનો સમાજની વચ્ચે લોકોઉપયોગી થવાની પ્રવૃતિથી દૂર રહેતા જોવા મળે છે ત્યારે મહામારીના સમયમાં થોડા અંશે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં ટેલીફોનિક કાઉન્સીલીંગ એક વર્ષ પહેલા શરૂ કર્યો હતો. કોરોનાનો વ્યાપ વધતો ગયો તેમ આ પ્રવૃતિ દર્દી માટે ઉપયોગી થશે તેવું જણાતા રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં પણ મનોવિજ્ઞાન અધ્યાપકોની સેવા લેવામાં આવી અને કાઉન્સીલીંગ શરૂ કરાયું. ત્યારબાદ બોટાદ જિલ્લા કલેકટર તંત્રને પણ આ પ્રકારની મનોવૈજ્ઞાનિક કાઉન્સીલીંગ ક્ષેત્રની જરૂરીયાત લાગી આ એક વર્ષની કામગીરીને બિરદાવવા અને ગ્રંથ સ્વરૂપે પ્રકાશીત કરવા આજરોજ બે અલગ અલગ પુસ્તકના ભવ્ય વિમોચન થયા.