પાર્કિંગમાં ખડકાયેલા નડતરરૂપ દબાણો દૂર કરી 15,823 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.3માં સમાવિષ્ટ રેલનગર મેઇન રોડ પર ફૂટપાથ, માર્જીન-પાર્કિંગ અને રોડ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખેતલાઆપા ટી-સ્ટોલ સહિત અલગ-અલગ 17 સ્થળોએ દબાણનો સફાયો બોલાવી રૂા.15,823 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે સવારે મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સૂચના બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.3માં આવેલા રેલનગર મેઇન રોડ ફૂટપાથ, માર્જીન અને રોડ પર ખડકાયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓમ કોમ્પલેક્સ, ખેતલાઆપા ટી-સ્ટોલ, ગોકુલ કોમ્પલેક્ષ, મુરલીધર કોમ્પલેક્ષ, રાજેશ્રી કોમ્પલેક્ષ, ભગવતી હોલ, કૌશલરાજ નોવેલ્ટી સ્ટોર, ગાયત્રી ડેરી, ખોડીયાર હાર્ડવેર, નીલકંઠ કોમ્પલેક્ષ, શ્રીરામ જનરલ સ્ટોર, રામેશ્ર્વર કોમ્પલેક્ષ, ડો.સંજીવ જાની, ચામુંડા ઓટો ગેરેજ, રામ કોમ્પલેક્ષ, ભક્તિ કોમ્પલેક્ષ, શ્રીજી કોમ્પલેક્ષ સહિત અલગ-અલગ 17 સ્થળોએ માર્જીન અને પાર્કિંગની જગ્યાએ ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના સીટી એન્જીનીયર તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનિંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.