બે માસ પહેલાં જ સુરેન્દ્રનગર ખાતેની કચેરીએ બદલી થયા બાદ જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રવિ રત્ન પૈર્ક નજીક ઉમા રેસિડેન્સીમા રહેતા અને સુરેન્દ્રનગર ખાતે પદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રૌઢે વહેલી સવારે રેલવે અંડર બ્રીજ ઉપર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉમા રેસિડેન્સીમાં રહેતા અતુલભાઇ ગઢીયા નામના પ્રૌઢે અંડર બ્રીજ ઉપર ટ્રેન નીચે પડતું મુકતા તેઓના કટકે કટકા થઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.
અંડર બ્રીજ પાસે પ્રૌઢનો મૃતદેહ પડયાની ગાંધીગ્રામ અને રેલવે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી તપાસ કરતા મૃતક પાસેથી તેના મોબાઇલ નંબર અને નામ સરનામું લખેલી ચીઠ્ઠી મળી આવતા પોલીસે મોબાઇલ નંબરના આધારે સંપર્ક કર્યો હતો.
મૃતક અતુલ ગઢીયા રાજકોટની પદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા હતા અને તેઓની બે માસ પહેલાં જ સુરેન્દ્રનગર ખાતેની કચેરીમાં મુખ્ય અધિકારી તરીકે બદલી થઇ છે. મૃતક અતુલ ગઢીયાને એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. તેઓએ આપઘાત શા માટે કર્યો તે અંગે પોલીસે તેમના સગા-સંબંધીઓની પૂછપરછ હાથધરી છે.