- સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી : 11 મહિલા સહિત 12 શખ્સ પકડાયા
રાજકોટ શહેરમાં દેશી દારૂના વધતા જતાં દુષણ પર શહેર પોલીસે સર્જીકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરતા બુટલેગર આલમમાં સન્નાટો છવાયો છે. અલગ અલગ પોલીસની ટીમોએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને ત્રણ દેશી દારૂની ભઠ્ઠી સહીત અનેક બુટલેગરોની ધરપકડ કરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુબલીયા પરા શેરી નંબર 5માં રહેતા મહેશ મનુભાઈ દલવાણી વોકળામાં કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડયો હતો જેમાં 6 હજાર કિંમતનો 300 લીટર દારૂ ,5160 કિંમતનો આથો અને રૂ.720 નો જુદાજુદા સાધન સહિત રૂ.11,880 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહેશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બીજા બનાવમાં થોરાળા પોલીસ વિસ્તારમાં કુબલિયાપરાશેરી નંબર 5 વિસ્તારમાં રહેતા રવિ વિનું સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.જ્યાં 4800 કિંમતની 240 લીટર દારૂ,5040 કિંમતનો આથો અને સાધન સહિત કુલ રૂ.11320 નો મુદ્દામાલ કબજે કરી રવિ સોલંકી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં રૈયાધારમાં રહેતા રાધાબેન પ્રવીણભાઈ વાંજેલિયાના મકાને એલસીબી પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી દારૂ ,આથો,સાધનો સહિત રૂ.1560 નો મુદ્દામાલ કબજે કરી રાધાબેન વાંજેલિયા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે.જ્યારે થોરાળા વિસ્તારમાં સ્થાનિક પોલીસ મથકે ત્રણ દરોડા પાડી દેશી દારૂનો વેચાણ કરતી મહિલાઓને ઝડપી છે.જેમાં શેરી નંબર 5 મારે હતી શ્રદ્ધાબેન શૈલેષભાઈ પરમારને 10 લીટર દારૂ સાથે ઝડપી લઇ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે કુબલીયાપરા શેરી નંબર પાંચમાં જ રહેતી રંભાબેન મનોજભાઈ સોલંકી દેશી દારૂની વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તેના 15 લીટર દારૂ સાથે રંભાબેન મળી આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુબલિયાપરા શેરી નં 5 માં રહેતી અનુબેન કિશનભાઇ સોલંકીના મકાને દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો જ્યાંથી 15 લીટર દારૂ મળી આવતા અનુબેન ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીગ્રામ પોલીસ મથકે બે દેશી દારૂના દરોડા પાડ્યા છે જેમાં શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી ચંદા પ્રદીપ મુખર્જી દેશી દારૂ વેચતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી 10 લીટર દારૂ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં ઘંટેશ્વરમાં રહેતી ગુલશન સુલતાન રૈયને 6 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી છે.જ્યારે પુનિત નગર ટાંકા પાસે દરોડો પાડી શાંતિબેન મગનભાઈ વાઘેલાને માલવિયાનગર પોલીસ સ્ટાફે 15 લીટર દારૂ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે સ્વામીનારાયણ ચોકમાં રહેતો અને મૂળ લોધીકા પંથકનો રવિ ભીખુ બાબરીયા ને 15 લીટર દારૂ સાથે ઝડપી લીધો છે.અન્ય દરોડામાં ગોપલનગરમાં રહેતો અમિત નવનીત દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ધરપકડ કરી છે. શાસ્ત્રી મેદાન વિસ્તારમાં રહેતી પ્રેમિલા નરશી માણસુરીયા ને 8 લીટર દારૂ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી લેતા લીધી છે.
આજીડેમ પોલીસે દારૂબંધી અંગનો બે દરોડા પાડી બે મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી છે. જેમાં માંડાડુંગર વિસ્તારમાં મુક્તા જયંતિ પરમાર પાસેથી 3 લિટર દારૂ મળી આવ્યો છે. જ્યારે સરધાર ગામ નજીક રાજી જીલું સોલંકીના મકાને 2 લીટર દારૂ મળી આવતા ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.યુનિવર્સિટી પોલીસે દેશી દારૂ અંગેના બે દરોડા પાડયા હતા. જેમાં કેવલમ આવાસ યોજનામાં રહેતા રીટા ભૂપત સોલંકીને 6 લીટર દારૂ સાથે અને મનહરપુર શેરી નં 1 માં રેખા રમેશ સરવૈયાને 5 લીટર દારૂ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેશીના દારૂના બે નંબરી ધંધામાં સ્ત્રી ‘સશક્તિકરણ’?
શહેરના એ ડિવિઝન, થોરાળા, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, આજીડેમ પોલીસે કરેલી દેશી દારૂની રેઈડમાં પુરુષો કરતા વધુ મહિલાઓ ઝડપાઈ છે. તેમાં પણ ખાસ તો દેશી દારૂનું વેચાણ કરતા મહિલાઓ ઝડપાઈ છે. ત્યારે શું આવા બે નંબરી ધંધામાં મહિલાઓનું સશક્તિકરણ થઇ રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.