હેબીયસ કોપોર્સના હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં જતા રાજકોટના પોલીસ સ્ટાફની જીપ લકઝરી બસ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર લીંબડી નજીક રાજકોટ પોલીસવાન અને લકઝરી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ સહિત ચાર ઘવાતા ચારેય પોલીસ કર્મચારીઓને સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાજકોટના અરજદારની સગીર પુત્રી પાંચેક વર્ષ પહેલાં ભેદી રીતે લાપતા બનતા પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન કર્યાના આક્ષેપ સાથે હેબીયસ કોપર્સ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટ દ્વારા રાજકોટ પોલીસને અનેક વખત તાકીદ કરવા છતાં તરુણીની ભાળ મેળવવામાં નિષ્ફળ રહી છે. હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સની અરજી અંગેની મુદત હોવાથી મહિલા અરજદાર સાથે નારી સુરક્ષાના મહિલા કર્મચારી વૈશાલીબેન પરમાર અને ગીતાબેન ચાવડા, યુનિર્વસિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચુડાસમા, હેડ કવાર્ટરના દેવાન્દ્રભાઇ અઘેરા, મહિલા કોન્સ્ટેબલ પૂજાબા ગોહિલ અને પોલીસવાનના ચાલક કિશનભાઇ જોષી હાઇકોર્ટની મુદતે જઇ રહ્યા હતા ત્યારે પોલીસ વાહન લીંબડી નજીક પહોચ્યું ત્યારે લકઝરી બસ આડી ઉતરતા પોલીસવાન લકઝરી બસના ઠાઠામાં અથડાતા પોલીસવાન રસ્તા પરથી નીચે ઉતરી પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસવાનમાં બેઠેલા હેડ કોન્સ્ટેલ કુલીદિપસિંહ ચુડાસમા, કિશનભાઇ જોષી, પૂજાબા ગોહિલ અને દેવેન્દ્રભાઇ અઘેરા ઘવાતા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાજકોટનું પોલીસવાન પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતના કારણે લીંબડી નજીક હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો તેમજ ઘવાયેલા ચારેય રાજકોટના પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતના કારણે પોલીસવાન ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
અકસ્માતમાં રાજકોટના ચાર પોલીસ કર્મચારીઓ ઘવાયાની જાણ થતાં તેઓના સગા-સંબંધીઓ અને પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા.