રાજકોટ અને મોરબી જિલ્લામાં વિદેશી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમ મેણુ સામે તાજેતરમાં જ વાંકાનેર અને રાજકોટમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ પકડતા તે ફરાર થયા હતો. ફિરીયો ભાવનગર રોડ પર આવેલા મહિકા પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસે દારૂના દુષણ સામે કડકહાથે કામ લેવાનું શરૂ કર્યું છે અને બૂટલેગરો સામે તવાઇ બોલાવી છે. રાજકોટ ક્રાઇમ પોલીસે કુખ્યાત ફિરોઝ ઉર્ફે ફિરિયો સંધિને ઐતિહાસિક લીમડો પકડાવી ભાંભરડા નખાવ્યા હતા. જેમાં પીઆઇ ગઢવી, પીએસઆઇ જેબલિયા સહિતે પોલીસની ભાષામાં ફિરિયાને પાઠ શિખવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવપરા મેઇન રોડ પર ખ્વાઝા એપાર્ટમેન્ટ સામે ખ્વાઝા મંજીલમાં રહેતા ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમ મેણું સામે તાજેતરમાં રાજકોટના ધવલને 50 પેટી વિદેશી દારૂ આપવાના ગુનામાં સંડોવણી ખુલ્લી હતી તેમજ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગત તા.23 જુને રૂા.19.95 લાખની કિંમતના 5099 બોટલ વિદેશી દારૂના ગુનામાં સંડોવણી ખુલ્લી હતી.
વસુંધરા ગામે રૂા.19.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં રાજકોટના નામચીન ફિરોજ સંધીનો દારૂનો જથ્થો હોવાની કબુલાત આપી હતી. વસુંધરા ગામની હદ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હોવાથી ક્રાઇમ બ્રાન્ચે મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસને સોપી દીધો હતો. ફિરોજ સંધીની વાંકાનેર અને રાજકોટ પોલીસ શોધખોળ કરી રહી હતી ત્યારે તે ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામના પાટીયા પાસે આવ્યાની બાતમીના આધારે પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, હેડ કોન્સ્ટેબલ અન્સુમન ગઢવી, વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ મોયા અને દેવાભાઇ ધરજીયા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી છે.
ફિરોજ ઉર્ફે ફિરીયા સંધી સામે આ પહેલા, રાજકોટ શહેર, ધ્રોલ, ગોંડલ, ટંકારા, શાપર, લોધિકા અને વાંકાનેર સહિતના પોલીસ મથકોમાં 29 જેટલા વિદેશી દારૂ અંગેના ગુના નોંધાયા છે. ફિરોજ ઉર્ફે ફિરીયા સંધીની ત્રણ વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનો ધંધો શરૂ કરતો હોય છે.