જામનગરના બે નામચીન શખ્સો ડીલીવરી કરવા આવતા પોલીસે ઝડપી લીધા
26 જુને સમગ્ર વિશ્ર્વ ડ્રગ્સ દિવસ જાહેર કર્યો છે ત્યારે જામનગરના બે શખ્સો રાજકોટમાં ગાંજાની ડીલીવરી કરવા આવ્યાની બાતમીના આધારે તાલુકા પોલીસે પાટીદાર ચોક પાસેથી રૂા.38ની કિંમતના 3 કિલો 806 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તે જામનગરના નાનુ પાટીલ પાસેથી લાવી રાજકોટના રૈયાધાર પર ડીલીવરી કરવા આવ્યાની કબુલાત આપી છે.
સુત્રધાર નાનુ પાટિલની શોધખોળ: રૈયાધાર પર ગાંજો સપ્લાય કરવા આવ્યાનું ખુલ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ખોડીયારનગર પાસે દરેડ રહેતા બાબુ પાલા સોલંકી અને જંયતી પુંજા સાદીયા નામના શખ્સો રાજકોટમાં ગાંજાની ડીલીવરી કરવા આવ્યાની અને 150 ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોકમાં આવ્યાની બાતમીના આધારે પી.આઇ. કે.એન. ભુકણ, પી.એસ.આઇ. એન.કે.ભુકણ, પી.એસ.આઇ. રાઠવા, એએસઆઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ્ટેલ કે.આર.પાંભર, હર્ષરાજસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણા સહિતના સ્ટાફે બંને શખ્સોને રૂા.38 હજારની કિંમતના 3 કિલો, 806 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે.
જામનગરના બંને શખ્સોની પૂછપરછ દરમિયાન જામનગરના નાનુ પાટીલ નામના શખ્સે ગાંજો આપ્યાની અને રૈયાધાર પર ગાંજાની ડીલીવરી કરવા આવ્યાની કબુલાત આપી છે. નાનુ પાટીલને ઝડપી લેવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.