સ્વચ્છ ભારત મિશન-2021 મવડી સ્થિત ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટર ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીકનો નિકાલ કરતા પોલીસ વિભાગના જવાનો
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. જે અન્વયે ઓકટોબર માસ દરમિયાન સમગ્ર રાષ્ટ્રમાં “સ્વચ્છ ભારત મિશન” અન્વયે જનભાગીદારી સાથે સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ.
આજરોજ રાજકોટના મવડી સ્થિત રાજકોટ ગ્રામિણ પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસના જવાન ભાઇઓ- બહેનોએ પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ હેડકવાર્ટર વિસ્તારમાં “કલીન ઇન્ડીયા” અભિયાનમાં ભાગ લીધો હતો. રાજકોટ ગ્રામિણ પોલીસ હેડ કવાર્ટર ખાતે મથકના ડી.વાય.એસ.પી. ગૌસ્વામી તથા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી સચિન પાલન ઉપસ્થિતીમાં આજરોજ યોજાયેલ આ સફાઇ અભિયાનમાં મોટી સંખ્યામાં પોલીસ જવાન ભાઇઓ અને બહેનોએ સક્રિયપણે સહભાગીદારી દાખવી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ પોલીસ વિભાગ અગ્રેસર હોવાની પ્રતિતી કરાવી હતી.
આ તકે ડી.વાય.એસ.પી. ગૌસ્વામીએ આ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતા ઉપસ્થિત જવાનોને સીંગલ યુઝ પ્લાસ્ટીક અને કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા અને આ અભિયાન થકી સમાજમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકના કચરા દ્વારા પર્યાવરણને થતા નુકશાનથી અવગત કરી સીંગલ યુઝ પ્લાસ્ટીકથી સમાજને મુકત કરવા જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.
આ અભિયાનમાં (એમ.ટી.) પી.આઇ. પરમાર, પી.એસ.આઇ. વીજાપરા, ખોખર, વાજા, જાડેજા અને ગોહિલ (વાયરલેસ) સહિત મોટી સંખ્યામાં પોલીસ વિભાગના વિવિધ શાખાઓના પોલીસ જવાન ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા.