- 100 મીટરની ત્રિજ્યાના ચાર કે તેથી વધુ લોકોને એકત્રિત થવા સહીતની બાબતો પર પ્રતિબંધ મુકાયો
આગામી તા. 21 એપ્રિલના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા લેવામાં આવનારી છે જે અનુસંધાને પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પ્રતિબંધિત કૃત્ય અંગે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા સહીતની બાબતો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા. 21 એપ્રિલના રોજ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા 2024 તેમજ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને રાજકોટ શહેરમાં પરીક્ષાના અલગ અલગ ચાર કેન્દ્રો આપવામાં આવ્યા છે. ઉમેદવારો આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી શકે તેના માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં અનુસાર પરીક્ષા કેન્દ્ર અને તેના આસપાસના વિસ્તારમાં તા. 21 એપ્રિલના સવારે 7 વાગ્યાંથી સાંજે 6 વાગ્યાં સુધીમાં પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત 100 મીટરની ત્રિજ્યામાં સ્ટેશનરી અને ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષા કેન્દ્ર આસપાસ વાહન લાવવા, પ્રશ્નપત્રને લગતું સાહિત્ય-પુસ્તક, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ જેવા ડિજિટલ ઉપકરણ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.