અકસ્માતગ્રસ્ત યુવતીને પલવારનો વિચાર કર્યા વગર હોસ્પિટલે ખસેડી: પરિવારજનો ન આવ્યા ત્યાં સુધી સ્વજનની માફક સારવાર કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું
રાજકોટના રેષકોર્ષ નજીક બહુમાળી ભવન ચોક ખાતે પુરઝડપે આવતી કારની ઠોકરે સ્કુટર ચડી જતા સ્કુટર ચાલક યુવતિને ગંભીર ઇજા પહોંચી હતી આ ઘટના વખતે ત્યાંથી પસાર થતી કયુ.આર.ટી. દ્વારા તાત્કાલીક સ્થળ પર જ યુવતિને પ્રાથમિક સારવાર આપી સરકારી વાહનમાં હોસ્પિટલે દાખલ કરી તેના પરિવારને જાણ કરી હતી જે માનવતા અભિગમને ઘ્યાને લઇ પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલે આજે કયુ.આર.ટી.નું સન્માન કર્યુ હતું.બહુમાળી ભવન ચોક ખાતે ગત તા. 17-9-21 ને શુક્રવારે સ્કુટર પર પસાર થતી યુવતિને પુરઝડપે આવતી કારે ઠોકર મારતા યુવતિ ઘટના સ્થળે ફંગોળાઇને પડી ગઇ હતી. અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટના વખતે ત્યાંથી પસાર થતી કયુ.આર.ટી. ના પી.એસ.આઇ. જે.એમ. ઝાલા, દિલીપસિંહ, જેસીંગભાઇ અને દિગ્વીજસિંહની ટીમે ઇજાગ્રસ્ત યુવતિને ફર્સ્ટ એઇડ કીટ દ્વારા તાત્કાલીક સ્થળ પર જ સારવાર આપ્યા બાદ યુવતિને 108 કે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સરકારી વાહનમાં સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી હતી.
યુવતી પાસેથી પરિવારના કોન્ટેકટ નંબર મેળવી પરિવારને જાણ કરી હતી અને યુવતિનો પરિવાર હોસ્પિટલ પર પહોંચે ત્યાં સુધી પોલીસ કર્મચારીઓએ સ્વજનની જેમ હોસ્પિટલ ખાતે યુવતિની સારવાર કરાવી હતી. દાખલા રૂપ માનવતા અભિગમ અપનાવી યુવતિનો જીવ બચાવનાર કયુ.આર.ટી. ના પી.એસ.આઇ. જે.એમ. ઝાલા, દિલીપસિંહ, જેસીંગભાઇ અને દિગ્વીજયસિંહનું આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે બહુમાન કરી તેઓની કામગીરીને બિરદાી હતી.