માં આદ્યાશક્તિની ભક્તિના મહા પર્વ નવરાત્રી તા.26 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, નવરાત્રી દરમિયાન શહેરના અનેક સ્થળે અર્વાચીન અને પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીના આયોજકો સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે હેમુ ગઢવી હોલ ખાતે બેઠક યોજી આયોજકોની મુશ્કેલી સાંભળી હતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તાકીદ કરી હતી.
ગરબીમાં લાઉડ સ્પીકર વગાડવાની રાતના બાર વાગ્યા સુધીની છુટ આપવામાં આવશે, રામનાથપરા યોજાતી ગરૂડની ગરબીના આયોજકો દ્વારા ટ્રાફિક નિયમન સારી રીતે થઇ શકે તે માટે વધારે પોલીસ સ્ટાફની માગણી કરી હતી. જ્યારે થોરાળા વિસ્તારમાં કેટલાક નશાખોરો ન્યુસન્સ હોવાથી પોલીસનો સ્ટાફ વધારે ફાળવવા, હનુમાન મઢી ખાતે યોજાતી પ્રાચીન ગરબીના આયોજકએ પણ લુખ્ખાઓ દ્વારા માથાકૂટ કરવામાં આવતી હોવાની રાવ કરી હતી.
અર્વાચીન રાસોત્સવનના આયોજકોને પાર્કીગ, એન્ટ્રી ગેઇટ અને આઉટ ગેઇટ પર સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત બનાવ્યા હતા. તેમજ દરેક ખેલૈયાના આધાર કાર્ડ અને ગરબીના પાસના નંબરની નોંધણી કરાવવી તેમજ જેનું આધાર કાર્ડ હોય તેના જ ફોટા સાથે ગરબીનો પાસ બનાવવા અને વ્યવસ્થા માટે સિક્યુરિટી સહિતના અનુરોધ કરવામાં આવ્યો હતો. અવાર્ચીન રાસોત્સવના આયોજકોએ તમામ વિગતો સાથેનું રજીસ્ટર તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન પહોચાવું ફરજીયાત છે. જેઓનું રજીસ્ટર પોલીસ સ્ટેશને નહી આવ્યું હોય તેઓની અર્વાચીન ગરબી અટકાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.