ગત સાંજે ઓર્ડર થતાંની સાથે જ તાત્કાલિક અસરથી પોલીસ કમિશનરની સાથોસાથ એડિશનલ સીપી તરીકે મહેન્દ્ર બગડિયા અને ડીસીપી તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સંભાળી લીધો
રાજકોટમાં ગત શનિવારે બનેલી ગોજારી અગ્નિકાંડની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી માનવ સર્જિત કલંકિત દુર્ઘટનામાં 28થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ઘટનાને પગલે રાજ્ય સરકારે ફરજમાં બેદરકારી દાખવનાર સાત જેટલા અધિકારીને સસ્પેન્ડ કરી દીધા બાદ ગૃહ વિભાગે ચાર સિનિયર અધિકારીઓની બદલી કરી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે. ઉપરાંત એડિશનલ સીપી વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઈની પણ બદલી કરી નાખવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂક થતાની સાથે જ તેમણે આજે વહેલી સવારે જ રાજકોટની કમાન સંભાળી લીધી હતી. ઉપરાંત એડિશનલ સિપી તરીકે મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગારવાએ પણ ચાર્જ સંભાળી લીધો છે.
ટીઆરપી ગેમઝોનની માનવસર્જિત ગોઝારી ઘટના બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હોય તેમ પ્રથમ સાત જેટલાં સરકારી બાબુઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે ચાર ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નવા અધિકારીઓની નિમણુંક કરી નાખવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી કરીને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સિનિયર આઈપીએસ બ્રિજેશકકુમાર ઝાને નિમણુંક આપવામાં આવી છે. ગત સાંજે ઓર્ડર થયાં બાદ બ્રિજેશકુમાર ઝા સીધા જ રાજકોટ આવવા રવાના થયાં હતા. આજે વહેલી સવારે જ તેમણે પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરી નાખવામાં આવી છે અને તેમના સ્થાને નવા મનપા કમિશનર તરીકે ઔડાના સીઇઓ ડી.પી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.આ સાથે જ આનંદ પટેલને હવે ક્યાં મૂકવામાં આવશે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેમની સેવાઓ આગળના આદેશો માટે સામાન્ય વહીવટ વિભાગમાં મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે હાઇકોર્ટે પણ જણાવ્યું હતું કે, અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરી શકીએ છીએ, પણ અત્યારે કરતા નથી. જો ધ્યાન દઇને કામ નહીં કરાય, તો અમારે વિચારવું પડશે.
જ્યારે પશ્ચિમ કચ્છ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગડિયાને રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઇમ) તરીકે નિમણૂક કરાઇ છે. રાજકોટ આગકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટના એડીશનલ કમિશનર ઓફ પોલીસ વિધિ ચૌધરી અને સુધીરકુમાર જે. દેસાઈ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-2 રાજકોટની પણ બદલી કરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બાગડિયાની બદલી કરી રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં તેના સ્થાને કોને મૂકાશે તેનો નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત સેન્ટ્રલ જેલ, વડોદરાના અધિક્ષક જગદીશ બાંગરવાની બદલી કરી રાજકોટ શહેરના નવા ડીસીપી ઝોન-2 તરીકે નિમણૂક કરવામાં આવી છે. હટાવવામાં આવેલા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસીપી વિધિ ચૌધરી, સુધીરકુમાર જે. દેસાઇને હવે ક્યાં મુકવામાં આવશે તેનો સરકારે કોઇ ઉલ્લેખ કર્યો નથી, પોસ્ટિંગ હજુ અપાયું નથી.
અહીં નોંધવું જરૂરી છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હચમચી ગઈ છે અને તાત્કાલિક સીટની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ સિલસિલામાં સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ મનપા કમિશનર અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર બાગડિયા છેલ્લા એકાદ વર્ષથી પશ્ચિમ કચ્છમાં પોલીસવડા તરીકે અને આ પહેલાં પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસવડા તરીકે બે વર્ષ, આમ કચ્છમાં ત્રણેક વર્ષ સુધી પોલીસ અધિકારી તરીકે રહી નોંધપાત્ર કામગીરી કરી છે અને હાલ દોઢ બે માસ પૂર્વે જ તેમને નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી મળી હતી.
રાજુ ભાર્ગવ, વિધિ ચૌધરી અને સુધીર દેસાઈને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રખાયા
ટીઆરપી ગેમ ઝોનમાં મોતના તાંડવ બાદ રાજ્ય સરકારે ધડાધડ બદલીના ઓર્ડર જાહેર કર્યા છે. જેમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ સીપી વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈની બદલી કરીને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા છે. તેમના સ્થાને અનુક્રમે બ્રિજેશકુમાર ઝા, મહેન્દ્ર બગડિયા અને જગદીશ બંગરવાને નિમણુંક આપી દેવાઈ છે.