ચમરબંધી વ્યાજખોરોને પાસા તળે જેલમાં ધકેલાશે: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ: વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસે ધોસ બોલાવવા યોજેલા લોકદરબારમાં 86 થી વધુ અરજદારોએ વ્યાજખોરો સામે કરી રાવ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તંત્ર દ્વારા લોક ઉપયોગી કાર્યકમો આપવાના શરુ કરેલા વિવિધ કાર્યક્રમ અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નારી ગૌરવ દિને નીમીતે મહિલાઓના પ્રશ્ર્નો સાંભળ્યા બાદ કમ્મર તોડ વ્યાજ વસુલ કરતા વ્યાજખોરો સામે ધોષ બોલાવવા યોજાયેલી લોક દરબારમાં વ્યાજવાદીઓએ લખાયેલી મિલ્કતનો દસ્તાવેજ રદ કરાવવા તેમજ ચમરબંધી વ્યાજના ધંધાર્થીઓને પાસા તળે જેલ હવાલે કરવાનો નિર્દેશ આપ્યો છે.
શહેરના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલી લોકદરબારમાં સવારથી વ્યાજખોરોના ભોગ બનેલા પીડીતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તેઓએ માંદગીના કારણોસર અને લોકડાઉનના કારણે બે રોજગાર બનતા વ્યાજે નાણા લેવાની ફરજ પડી હોવાનું જણાવી વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસ અને ધમકીની રાવ કરતા કેટલાંક પિડીતો પોલીસ અધિકારી સમક્ષ રડી પડયા હતા.
આ પૂર્વે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોક દરબારનો પ્રારંભ કરાવ્યો હતો અને વ્યાજખોરો દ્વારા મિલ્કતનો દસ્તાવેજ કરાવીને વ્યાજ નાણા અપાતા હોવાના કિસ્સાઓ સામે આવતા પત્રકારો દ્વારા આ અંગે પુછાયેલા પ્રશ્ર્નો અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે કોઇ વ્યાજના ધંધાર્થીએ મિલ્કતનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હશે તો દસ્તાવેજ રદ કરાવવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવશે. આ અંગે ઉડી તપાસની ખાત્રી આપી હતી.
મિલ્કત વિરુઘ્ધના ગુના અને બુટલેગરો સામે સામાન્ય રીતે પાસાનો શસ્ત્રનો ઉપયોગ થતો હોય છે. પરંતુ જેઓની સામે વ્યાજ અંગેનો એક ગુનો નોંધાયો હશે તો પણ તેની સામે પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવશે તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
વ્યાજના ધધાર્થીનો ભોગ બનેલા પિડીતો મોટી સંખ્યામાં એક સાથે આવી જતાં તમામને સરળતાથી સાંભળી શકાય તે માટે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જુદા જુદા પોલીસ સ્ટેશન મુજબ અરજદારોને ડીવાઇડ કર્યા હતા અને તમામ અરજદારને એસીપી અને પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સાંભળવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લોક દરબારને સફળ બનાવવા તમામ એસીપી, તમામ પોલીસ મથકના પી.આઇ. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચનો તમામ સ્ટાફ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ઉપસ્થિત રહ્યો હતો. બપોરના બે વાગ્યા સુધીમાં 86 જેટલા અરજદારો દ્વારા વ્યાજખોરો સામે રાવ કરી હતી. તમામની પોલીસ દ્વારા અરજી સ્વીકારી તપાસ અર્થે જુદા જુદા પોલીસ મથકે મોકલવામાં આવી છે. તમામ અરજી એસીપીના સિધ્ધા માર્ગ દર્શન હેઠળ તપાસ કર્યા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ ગુનો નોંધવામાં આવશે.
ચેક રિટર્ન અંગે કેટલાક રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા બનાવ પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
શહેર પોલીસ દ્વારા આયોજીત વ્યાજંકવાદ, લેન્ડ ગ્રેબીંગ, જી.પી.આઇ.સી. અંગેના લોકદરબારમાં શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-ર તેમજ રાજકોટ શહેરના તમામ ડીવીઝનના મદદનીશ પોલીસ કમશ્નર તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેકટરઓ તથા જયોતિન્દ્રભાઇ મહેતા નેશનલ ફેડરેશન ઓફ અરબન કો.ઓ. બેંક ક્રેડીટ સોસાયટી પ્રમુખ અને રાજકોટ નાગરીક બેંકના ડાયરેકટ અને રિઝર્વ બેંક સ્ટેન્ડીંગ એન્ડ એડવાઇઝીંગ કમીટીના સભ્ય તેમજ નલીનભાઇ વસા રાજકોટ નાગરીક બેન્કના ચેરમેન હાજર રહેલા હતા.
લોકદરબારમાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજઁકવાદ સંપૂર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલું હતું. લોકદરબારમાં રાજકોટ શહેરમાં રહેતા ઘણા નાગરીકો આથીંક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવને વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગ બનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતા રહે છે જેમાં બદલ મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેના પરિણામે ભોગ બનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાય છે જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા પરિવારને અસર કરતા રહે છે આવી ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા લોક દરબારનું આયોજન કર્યુ છે.
તેમજ રાજય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ (ગુજરાત જમીન પડાવી લેવું પ્રતિબંધ અધિનિયમ) 2020 નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે જે ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી થાય તેવા હેતુથી અમલમાં મુકવામાં આવેલા છે. તેમજ લોકોને રંજાડતા ભુ-માફીયાઓ ઉપર અંકુશ રહે અને સમાજમાં શાંતિ અને સલામતી ભર્યુ વાતાવરણ ફેલયા અને લોકોની કિંમતી મીલ્કતો સુરક્ષીત રહે તે માટે છે જેથી આવી ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરાવવા શહેર પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબીંગ અંગે પણ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેર પોલીસ દ્વારા આવા ભોગ બનનારને સંપુર્ણ કાયદાકીય માર્ગદર્શન આપી શકાય જેમાં સદરહુ કાયદાની પ્રથામીક માહિતી આપી કાયદાથી માહિતગાર કરવામાં આવેલ તેમજ તેના હેતુ તેમાં ફરીયાદ કરવા માટે પ્રથમ કલેકટર ની કચેરી ખાતે 2000/- રૂપિયાનુ ચલણ જમા કરાવી ઓનલાઇન અરજી કરવી અને જે અરજી તપાસ ત્યાથી પોલીસ ડીપાર્ટમેન્ટ તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટને સોંપવામાં આવતી હોવાનું અને ત્યાર બાદ 15 દિવસમાં તેનો અહેવાલ મોકલી આપવાનો હોય જે અહેવાલ મોકલી આપતા સદરહુ કાયદાના નિયમ મુજબ કમીટીની રચના કરવામાં આવેલ હોય તે કમીટી દ્વારા તે અહેવાલ તપાસ બાબતે ગુણદોષ આધારે ગુન્હો દાખલ કરવાનો અથવાતો ગુન્હો બનતો ન હોય તો ફાઇલ કરવાનો આખરી હુકમ કરવામાં આવેતો હોવા બાબતે નાગરીકોને સમજ કરવામાં આવેલ હતી તેમજ સદરહુ કાયદામાં 10 વર્ષથી ઓછી નહી 14 વર્ષ સુધીની સજાની જોગવાઇઓ હોવા બાબતે સમજ આપવામાં આવી હતી.