સમગ્ર વિશ્વમાં ૧૦ એપ્રિલના રોજ મધર્સ ડે ઉજવાયો હતો. લોકોએ આ દિવસ તેમની માતા સાથે વિતાવ્યો હતો ત્યારે લોક ડાઉનની પરિસ્થિતિમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ મધર્સ ડે નિમિતે પોતાની માતાને મળી શક્યા ન હતા તેમજ આશીર્વાદ મેળવી શક્યા ન હતા. તેવી જ રીતે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવતા વડીલો પણ આ પરિસ્થિતિમાં પોતાના સંતાનોને મળી શક્યા ન હતા. તેવી પરિસ્થિતિમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ખૂબ જ પ્રસંશનીય પહેલ કરી હતી. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે હાલ ૨૪૫ જેટલા વૃદ્ધો તેમનું જીવન પસાર કરે છે ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને બોલબાલા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કરવામાં આવી હતી. તમામ માતાઓનું આ તકે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કેક કાપી મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા, ટ્રાફિક પીઆઇ બી.ડી. ઝીલરીયા, એમ.આર. પરમાર, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય તેમજ ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

આ તકે તેમણે જણાવ્યું હતું કે ફરજના ભાગરૂપે પોલીસકર્મીઓ તેમના માતૃશ્રીને મળી શક્યા નથી તેવા સંજોગોમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી – કર્મચારીઓએ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે આવી એક થી વધુ માતાઓના આશીર્વાદ મેળવ્યા છે તેમજ માતૃશ્રીઓનું સાલ ઓઢાળી સન્માન કર્યું છે. આ પરિસ્થિતિમાં જ્યારે હાલ પોલીસકર્મીઓ ફરજના ભાગરૂપે પોતાની માતાને મળી શક્યા નથી તેવા સંજોગોમાં આજે અમે અનેક માતાઓના આશીર્વાદ મેળવ્યા છે તે બદલ હું તમામ માતાઓ, સદભાવના વૃદ્ધાશ્રમ અને બોલબાલા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ સમયમાં જ્યારે પોલીસકર્મીઓ પોતાની માતાઓને મળી શક્યા નથી ત્યારે વૃદ્ધાશ્રમની માતાઓ પણ તેમના સંતાનોને મળી શક્યા નથી ત્યારે પોલીસકર્મીઓ તેમના પુત્ર બની તેમની સાથે સમય વ્યતીત કરી રહ્યાં છે જેના કારણે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

આ તકે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હું એક સામાજિક કાર્ય અર્થે રાજકોટ શહેર પોલીસના સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબની કચેરી ખાતે ગયો હતો જ્યાં મારુ ધ્યાન કેલેન્ડર પર પડ્યું અને મારી ધ્યાને આવ્યું કે આજે મધર્સ ડે છે. હું તરત જ ચમકી ઉઠ્યો અને મને વિચાર આવ્યો કે હાલના સમયમાં પોલીસકર્મીઓ ફરજના ભાગરૂપે પોતાની માતાના આશીર્વાદ મેળવી શક્યા નથી તેની સામે વૃદ્ધાશ્રમ ખાતે રહેતી માતાઓ પણ પોતાના સંતાનોને મળી શકી નથી. મેં સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબને વિન્નતી કરી કે પોલીસકર્મીઓ માતૃશક્તિના આશીર્વાદ મેળવી શકે અને વૃદ્ધાશ્રમની માતાઓને પોતાના સંતાનોની કમી ન વર્તે તે અર્થે માતૃ વંદના કાર્યક્રમ કરવાની આપ મંજૂરી આપો. સંયુક્ત પોલીસ કમિશ્નરે તાત્કાલિક ધોરણે મંજૂરી આપી અને અમે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે આવી અનેક માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા, મધર્સ ડે નિમિતે કેક કાપી માતાઓનું સન્માન કર્યું અને પોલીસકર્મીઓ શ્રવણની ભૂમિકામાં આવ્યા જર દ્રશ્યોએ અમને ભાવવિભોર બનાવ્યા છે. મને વિશ્વાસ છે કે માતાનો આશીર્વાદ હશે તો કોરોના જેવી ગમે તે આફતમાંથી કુશળતાપૂર્વક બહાર આવી શકશે.

આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના ધીરેન્દ્ર કાનાબારે જણાવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે જેમાં કુલ ૨૪૫ વડીલોને પારિવારિક ભાવનામાં સાચવવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં વડીલો લોક ડાઉનને કારણે પોતાના સંતાનોને મળી શકતા નથી ત્યારે રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા અહીં તમામ માતાઓ સાથે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. તમામ માતાઓને તેમના સંતાનોની કમી ન વર્તાય તે પ્રકારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે જે બદલ હું રાજકોટ શહેર પોલીસ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.