દિવ્યાંગોના સશકિતકરણ માટે યુવાનોને આગળ વધવા વડાપ્રધાન મોદીનું આહવાન: વરસાદ વચ્ચે મોદીને વધાવવા રેસકોર્સ મેદાનમાં અનેરો ઉત્સાહ દેખાયો

રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં ૧૭૫૮૯ દિવ્યાંગોને રૂ.૧૨.૭૨ કરોડના સાધન સહાયનું વિતરણ કરીને વિશ્ર્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. દિવ્યાંગોને સાધન સહાય વિતરણના આ કાર્યક્રમમાં વ્હેલી સવારથી જ દિવ્યાંગો ઉત્સાહભેર હાજર રહ્યા હતા તેમાં પણ વડાપ્રધાન મોદીને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અધિકારીના વિભાગના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યોજાયેલા સાધન સહાય વિતરણના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભર વરસાદે પણ નિશ્ર્ચિત સમયે પહોચ્યા હતા. મોદીએ કાયક્રમના ઉદબોધનમાં કહ્યું હતુ કે, જે પરિવારમાં દિવ્યાંગ બાળકોનો જન્મ થાય છે તે પરિવારને ઈશ્ર્વર પસંદ કરે છે. કારણ કે તે પરિવાર દિવ્યાંગનું પાલન પોષણ કરવા માટે સક્ષમ હોય છે. ઈશ્ર્વરને તેમના માતા-પિતા ઉપર વિશ્ર્વાસ હોય છે. આવા માતા પિતા દિવ્યાંગ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા હોય છે. વધુમાં મોદીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતુ કે, તેઓ રાજકોટમાં ડો.પી.વી. દોશી પાસે આવતા ત્યારે તેમના દ્વારા સંચાલીત સંસ્થામાં દિવ્યાંગ બાળકોને મળવાનું થતું આ બાળકોની સંવેદના સ્પર્શી જતી હતી. વધુમાં એમ પણ ઉમેર્યું હતુ કે, વિકલાંગને દિવ્યાંગ શબ્દ આપી માત્ર નામ પૂરતી પ્રતિષ્ઠા આપવાનું કાર્ય સરકારે નથી કર્યું પણ દિવ્યાંગનાં સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓ બનાવી છે. અને નિર્ણયો લીધા છે. દિવ્યાંગ બાળક સામાન્ય બાળક જેવી જ ક્ષમતા ધરાવતા નથી એથી પરીક્ષામાં પાસિંગ માર્ક ૩૫માંથી ઘટાડીને ૨૫ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત મુકબધીરો માટે આખા દેશમાં એક જ સાંકેતિક ભાષા શીખડાવવામાં આવે તેવી જાહેરાત પણ કરી હતી.

વધુમાં સાધન સહાય વિતરણનાં કાર્યક્રમમાં મોદીએ ઉમેર્યું હતુ કે, ૧૯૯૨થી સામાજીક અધિકારીતા શિબિર યોજવામાં આવે છે. ત્યારથી લઈને ૨૦૧૪ સુધી, ૫૫ કેમ્પો યોજવામાં આવ્યા હતા. તેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં ૫૫૦૦ કેમ્પો યોજવામાં આવતા તે કેન્દ્ર સરકારની દિવ્યાંગો પ્રત્યેની સંવેદનશીલતા બતાવે છે.

વધુમાં દિવ્યાંગો દેશની જવાબદારી હોવાનું કહીને દિવ્યાંગોની જીવનશૈલી સરળ બને તે માટે યુવાનોને સ્ટાર્ટઅપના માધ્યમથી ઈનોવેટીવ કુત્રિમ અંગોનું નિર્માણ કરવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતુ.

વ્હેલી સવારથી જ રેસકોર્ષ મેદાનમાં ગામે ગામથી દિવ્યાંગો પહોચ્યા હતા અને ૭૮૬ વિકલાંગોને કેલીપર્સનું ફિટીંગ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. શ‚આતમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પ્રાસંગીત પ્રવચન કર્યું હતુ ત્યારબાદ એક જ કાર્યક્રમમાં ત્રણ વિશ્ર્વરેકોર્ડના સર્ટિફિકેટ મોદીને એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાયન કરવામાં આવી હતી. કાર્યક્રમ વચ્ચે સવારથી જ મેઘરાજા પણ મહેરબાન થયા હતા વરસાદના કારણે રેસકોર્ષ મેદાનમાં પાણી ભરાયા હોવા છતા દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ આયોજન દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ દિવ્યાંગોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ વધુમાં દિવ્યાંગોને ડોમ સુધી પહોચાડવા માટે સ્વયંસેવકો પણ ખડેપગે રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી. કોહલી, માર્ગ અને પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજયમંત્રી ક્રિશ્ર્નપાલ ગુર્જર, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સાંસદ મોહન કુંડારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ માટે કલાસ વન ઓફીસરથી ૧૮ ટીમો અને ૫૦ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. અને દિવ્યાંગોને લાવવા લઈ જવા માટે કુલ ૬૦૦ એસ.ટી.ની બસોની વ્યવસ્થા કરાઈ હતી એક બસમાં મહત્તમ ૨૦ દિવ્યાંગો તથા તેમના સહાયકોને જ બેસાડવામાં આવ્યા હતા અને બસ ડોમ સુધી દિવ્યાંગોને મૂકી હતી.

દિવ્યાંગોના કાર્યક્રમ સાથે રેકોર્ડની હેટ્રીક

વડાપ્રધાન મોદીના હસ્તે રેસકોર્ષના મેદાનમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ રચાયો હતો ૧૪૪૨ મુક બધિરો દ્વારા રાષ્ટ્રગાન અને ૭૮૬ દિવ્યાંગોને કેલીપર્સ બેસાડવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો તેમજ ૧૭ હજારથી વધુ દિવ્યાંગોને એક જ સ્થળે સાધન સહાયના વિતરણનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાવવા દાવો થયો હતો. મોદીએ સાંકેતીક રાષ્ટ્રગાનના રેકોર્ડનું સર્ટીફીકેટ જીલ્લા કલેકટર વિક્રાંત પાંડેને એનાયત કર્યું હતુ.

રાજકોટે મને દિલ્હી પહોંચાડ્યો:મોદી

દિવ્યાંગ સાધન સહાય વિતરણનાં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ સાથેની યાદો તાજી કરી હતી અને કહ્યું હતુ કે, હું રાજકોટનો પ્રેમ કયારેય નહી ભુલુ રાજકોટ મને ગાંધીનગર ન પહોચાડયો હોત તો હું દિલ્હી ન પહોચ્યો હોત, રાજકોટમાં ૪૦ વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ આવ્યા હતા ત્યારબાદ ભારતના વડાપ્રધાન દ્વારા આ રાજકોટની પહેલી મુલાકાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.