લોક રોષ પારખી મેયર ડો.પ્રદિપ ડવે તાત્કાલીક અસરથી સિટી એન્જીનીંયરને ઘટતું કરવા આદેશ આપ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યાને આઠ વર્ષનો લાંબો સમય વિતી જવા છતાં કોઠારિયા વિસ્તારને પર્યાપ્ત પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપના શાસકો તદ્ન નિષ્ફળ નિવડ્યા છે. ગઇકાલે બિસ્માર રોડ પ્રશ્ર્ને લોકોએ ચક્કાજામ કર્યા બાદ આજે સતત બીજા દિવસે રોડ-રસ્તા, પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવના વિરોધમાં ચક્કાજામ કર્યા હતા. ટોળું બેકાબૂ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. લોક રોષ પારખી મેયર ડો.પ્રદિપ ડવે ઇસ્ટ ઝોનના સિટી એન્જીનીંયરને તાત્કાલીક અસરથી ઘટતું કરવા આદેશ આપ્યા હતા.
https://www.instagram.com/reel/Cs8qmsPABfC/?igshid=NzJjY2FjNWJiZg==
કોઠારિયા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડનો પ્રશ્ર્ન અણ ઉકેલાયેલો છે. વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે આજે સતત બીજા દિવસે લોકો વિફર્યા હતા અને ગોંડલ ચોકડીથી કોઠારિયા રોડ તરફ જવાના રસ્તા પર ચક્કાજામ કર્યું હતું. એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાઇ ગયા હતા. વારંવાર અપિલ કરવા છતાં લોકોનું ટોળું ન સમજતાં અંતે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવે સમગ્ર મામલો હાથ પર લીધો છે અને સિટી એન્જીનીંયરને આ ઘટના સંદર્ભે ખખડાવી નાંખ્યા હતા. આ રોડને ડિઝાઇન રોડમાં લેવામાં આવ્યો છે. રોડ ખૂબ સારી રીતે ડેવલપ થઇ જશે પરંતુ આ કામ શરૂ ન થાય ત્યાં સુધી લોકોને હાલાકી ન પડે તે રિતે રોડને વ્યવસ્થિત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.