એક્સ-રે ફિલ્મનો સ્ટોક મેન્ટેઈન ન થતા એક મશીન બંધ કરવું પડયું: તબીબી અધિક્ષક દ્વારા સહી કરવાનું ભૂલી જતા દર્દીઓની એક્સ-રે બારીએ લાબી કતારો લાગી
સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હૃદય સમાન ગણાતું સિવિલ હોસ્પિટલ તેના સ્ટાફની ગુનાહિત બેદરકારીઓ ના કારણે અનેક વાર વિવાદોમાં ફસાયું છે ત્યારે ફરી એકવાર સ્ટાફની ઘોર બેદરકારીના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજરોજ ઓપીડી બિલ્ડિંગમાં આવેલ એક્સ રે રૂમને સ્ટાફ દ્વારા બંધ કરી દેવાતા હોસ્પિટલના 21 નંબર વોર્ડમાં એક્સરે માટે દર્દીઓની લાંબી કતારો લાગી હતી. કારણ કે ઓપીડી બિલ્ડિંગમાં આવેલ એક્સ રે રૂમાં એક્સ રે ની ફિલ્મો પૂરી થઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સિવિલ હોસ્પિટલના સ્ટાફની ગુનાહિત બેદરકારીનો ભોગ હમેશા દર્દીઓ જ બન્યા છે ત્યારે ફરી એકવાર સ્ટાફની ગુનાહિત બેદરકારીના કારણે દર્દીઓને રઝળવું પડ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે એક્સ રે રૂમ આવેલા છે જેમાં પ્રથમ એક્સ રે રૂમ ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફોલ પર સાત નંબરમાં આવેલો છે જ્યારે બીજો એક્સ રે રૂમ ઈમરજન્સી બોર્ડની સામે 21 નંબરમાં આવેલો છે. ઓપીડી બિલ્ડીંગ સાત નંબરમાં આવેલા એક્સ રે રૂમમાં બે એક્સ રે મશીન મૂકવામાં આવ્યા છે જ્યારે 21 નંબરમાં ત્રણ મશીન મૂકવામાં આવ્યા છે. ઓપીડી માં સારવાર લેતા દર્દીઓને દૂર 21 નંબરમાં જઈ એક્સ-રે ના કરવો પડે તે માટે ઓપીડી માં જ તેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ સિવિલ હોસ્પિટલના તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે એક્સ-રે ફિલ્મનો સ્ટોક મેન્ટેન ન થતા સાત નંબરનો એક્સ રે રૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આજરોજ 21 નંબરમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી.
જ્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે સ્ટોક થોડાક દિવસમાં જ ખતમ થઈ જવાનો છે તે અંગે તેમને તબીબી અધિક્ષકને જાણ કરી હતી અને ઓર્ડર માટે કાગળો પણ આપ્યા હતા પરંતુ જ્યાં સુધી તે કાગળ ઉપર તેમની સહી ના થઈ હોય ત્યાં સુધી ઓર્ડર થઈ શકે નહીં પરંતુ ગુરુવારે તબીબી અધિક્ષક કોઈ કારણોસર સહી કરવાનો ભૂલી ગયા હતા. અને શુક્ર શનિ તેઓ ગાંધીનગર મીટીંગ માટે ગયા હતા જેના કારણે એક્સ રે ફિલ્મનો ઓર્ડર ન થઈ શકતા ન છૂટકે આજે તે રૂમને તાળું મારવામાં આવ્યું હતું. પરંતુ બનાવની જાણ તેને થતા તેમને તુરંત જ ઓર્ડર કરી ફિલ્મ મંગાવી હતી પરંતુ તે ફિલ્મ કાલે આવવાની હોવાથી આજે દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડ્યો છે. જેથી હંમેશા જ સિવિલ તંત્રના ગુનાહિત બેદરકારીનો ભોગ દર્દીઓ બનતા રહ્યા છે.