શહેરમાં મારામારીના બનાવ વધતા જાય છે જેના કારણે આવારાતત્વોમાં જાણે પોલીસનો ઓશ જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મારામારી સાથે હવે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પણ તબીબો પર હુમલો કરવા લાગ્યા છે. એવો જ એક બનાવ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેમાં સારવારમાં વિલંબ થતા દર્દીએ જ તબીબને ફડાકા ઝીંકયા હોવાનુ સામે આવ્યું છે. ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા તબીબ ટ્રોમા કેર સેન્ટરમાં દર્દીને ચકાસવા ગયા અને બીજા દર્દીએ બખેડો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ડોકટર અન્ય દર્દીને ચકાસવા ગયા અને ઇમરજન્સી વોર્ડમાં બખેડો થયો: પોલીસ દોડી આવી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શનિવારની રાત્રીના સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં નાઈટ શિફ્ટ કરી રહેલા ડો.શર્માને વહેલી સવારે એક દર્દીએ ફડાકા ઝીંકયા હોવાની ઘટના બની હતી. ઘટના અંગે જાણ થતાં પ્રનગર પોલીસ પણ દોડી ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રવિવારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં એક દર્દી હાથના દુ:ખાવાની ફરિયાદ લઇ ઇમરજન્સી વોર્ડમાં આવ્યું હતું. તે દરમિયાન ડો.શર્મા ફરજ પર હતા. જ્યારે દર્દીને અન્ય તબીબની જરૂર હોવાથી તે દર્દીને થોડી રાહ જોવા મટે કહ્યું હતું. ડોકટરને ટ્રોમા કેર સેન્ટરમાં હોવાથી થોડો વિલંબ થતા ઇમરજન્સી વોર્ડમાં દર્દીએ બખેડો શરૂ કર્યો હતો.
તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સિવિલના કર્મચારીઓએ દર્દીને શાંત રહેવા જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં દર્દી માથાકૂટ કરતા ડો.શર્મા તેને સમજાવવા ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા દર્દીએ ડો.શર્માને જ ફડાકા ઝીકી લીધા હતા. આ અંગે જાણ થતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને દર્દીને સારવારને બદલે પોલીસ મથકે લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.