કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા: ભયગ્રસ્ત પારાપેટનો લટકતો ભાગ તોડી પડાયો
શહેરના જામનગર રોડ સાંઢીયા પુલની બાજુમાં આવેલા સ્લમ ક્લિયરન્સ બોર્ડના આવાસની પારાપેટ આજે સવારે અચાનક ધરાશાઇ થવાના કારણે થોડીવાર માટે ડરનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે કોઇ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. કોર્પોરેશનના અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જર્જરિત પારાપેટનો ભયગ્રસ્ત કાટમાળ તોડી પાડવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.2માં જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં 6 દાયકા પૂર્વે સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 350થી વધુ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોટાભાગના આવાસોની હાલત ખૂબ જ જર્જરિત છે. રિનોવેશન કરવા માટે કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષથી નોટિસ પણ આપવામાં આવે છે પરંતુ અહિં આર્થિક રીતે પછાત લોકો વસવાટ કરી રહ્યા છે જેઓ રિનોવેશન કરાવી શકે તેમ નથી. દરમિયાન આજે સવારે ક્વાર્ટર નં.153 અને 154ની પારાપેટની દિવાલ ધરાશાઇ થઇ જવા પામી હતી. આ ઘટના વહેલી સવારે બની હોવાના કારણે જાનમાલની કોઇ હાનિ થવા પામી ન હતી. દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પારાપેટનો જે ભાગ જોખમી હતો અને લટકતો હતો તેને દૂર કરી દેવામાં આવ્યો હતો.