ગણપતિ મંગલ મહોત્સવમાં રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાઆરતી, લોકડાયરો સહિતના કાર્યક્રમ
રેસકોર્સ, ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક, ચંપકનગર સહિતના સ્થળોએ જાજરમાન આયોજનો
ગણપતિ મહારાજની ભકિતના રંગે રાજકોટ રંગાઈ ગયું છે. રેસકોર્ષ, ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક, ચંપકનગર સહિતના સ્થળોએ જાજરમાન આયોજનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના મુખ્ય વિસ્તારો અને શેરી-ગલીઓમાં પણ દુંદાળાદેવની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સિધ્ધવિનાયક ધામશહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન તા.૨૩ સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોષૅ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
રોજેરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતી, સમાજોનાં શ્રેષ્ઠીઓ, મંડળો, એસોશીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવે છે. તેમજ વિવિધ સંપ્રદાયોનાં સાધુ સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવે છે.આજે રાત્રે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવશે અને રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી, સાથી કલાકારો દ્વારા લોકડાયરાની જમાવટ કરાશે તેમજ આવતીકાલ તા.૧૫ના સાંજે ૪.૩૦ કલાકે બહેનોમાટે વન મીનીટ (ઓપન રાજકોટ) સ્પર્ધા યોજાશે. તેમજ રાત્રે ૯ કલાકે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ (કારડીયા રાજપુત રાસમંડળ બાટવા, જૂનાગઢ)નું આયોજન કરાયેલ છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજેરોજ ગણપતિ મહારાજના સાનિધ્યમાં વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ અને રાત્રે સાંસ્કૃતિક તેમજ ભકિતપૂર્ણ કાર્યક્રમો યોજવામા આવતા હોય. તેમજ ગણપતિ મહારાજના દર્શનનો લાભ લેવા દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય શહેરીજનોને સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ દાદાના દર્શનનોલાભ લેવા શહેર ભાજપ પ્રમુખ ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર નિમંત્રણ પાઠવેલું છે.
ત્રિકોણબાગ કા રાજાત્રિકોણબાગકા રાજા ગણપતિ મહોત્સવના પ્રારંભે સ્વામીનારાયણ સંત સર્વાતિત સ્વામીજી અને હરિદાસ સ્વામીજીના વરદ હસ્તે ‘ત્રિકોણબાગકા રાજા’ની મોબાઈલ એપ્લીકેશન ખૂલ્લી મૂકાઈ હતી. પ્રથમ દિવસે અભિનવ બારોટ પ્રસ્તુત ગણેશ વંદનાનો વેરાયટી શોએ હજારો ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગણપતિ મહોત્સવના આજે શુક્રવારે દ્વિતિય દિને ગુજરાતના નામી હાસ્ય કલાકારો રંગીલા રાજકોટની જનતાને હાસ્ય દરબારમાં મોડીરાત સુધી મોજ કરાવશે. આવતીકાલ શનિવારે રાત્રે શહેરના નાના બાળકો માટે જાહેર શ્લોક સ્પર્ધા તથા શાળાના બાળકો તથા વિવિધ ડાન્સ એકેડમીના સહયોગથી જાહેર જનતા માટે બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો મોજ કરાવશે.સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક જીમ્મી અડવાણીના માર્ગદર્શન હેઠળ ચંદુભાઈ પાટડીયા, નિલેષભાઈ ચૌહાણ, અભિષેક કણસાગરા, જયપાલસિંહ જાડેજા, પ્રભાત બાલાસરા, ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, વિમલ નૈયા, દિનેશગીરી અપારનાથી, અર્જુન બાવળીયા, વિક્રમ બાવળીયા, કુમારપાલ ભટ્ટી, નાગજી બાંભવા, બિપીન મકવાણા, રાજન દેસાણી, જેસલ ઝાલા, ભાવિન અધ્યા, સંજય ટાંક વગેરે ખડેપગે સેવાઓ આપી રહ્યા છે.
જેકે ચોકમાં ગણેશ ઉત્સવજે.કે. ચોકમાં છેલ્લા ૮ વર્ષથી શિવશકિત યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે જે.કે.જાડેજા, તેમજ તેના ગ્રુપ દ્વારા દ્વારા આરતી કરવામાં આવી હતી. સાથોસાથ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં દરરોજ રાત્રે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે બહોળી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો.
ચંપકનગર કા રાજાચંપકનગર કા રાજા ગણપતી મહોત્સવનું ચંપકનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ૧૦ વર્ષથી ભાજપના કોર્પોરેટર મુકેશ રાદડીયા અને તેમની ટીમ દ્વારા આ ગણપતીજીનું આયોજન કરવામાં આવે છે.ગઈકાલે ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ઉપસ્થિત રહી બાપાની આરતી કરી હતી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેશ્વર ચોક ગણેશત્સવસર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે આરતીનો લાભ લેવા બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા.