જો વળતર આપવાનું ફાઇનલ થશે તો ગામ સ્થળાંતરની પળોજણ નહિ રહે : કાલે એવિએશન વિભાગની ટિમ સ્થળ વિઝીટ લેશે’
રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટ માટે હીરાસર ગામની જમીનના સંપાદનની પ્રક્રિયા હાલ બાકી છે. જેને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં મોટાભાગના લોકો વળતર માટે માની ગયા હોય ગામના સ્થળાંતરની જરૂર નહીં પડે તેવી વિગતો મળી રહી છે.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી દેવાનો આદેશ છુટતા કામમાં ઝડપ વધારી દેવામાં આવી હતી.
આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું હવે થોડા દિવસોમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર તેમજ ટાવર અને વિન્ડમિલ સિફટિંગના કામનો સમાવેશ થાય છે.
ગામના સ્થળાંતર સહિતના બાકી કામો આવતીકાલે એવિએશન વિભાગની ટીમ સ્થળ વિઝીટ લેવાની હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ સુત્રોમાંથી મલ્ટી વિગતો અનુસાર મોટાભાગના લોકો વળતર માટે સંમત થઈ ગયા છે. હવે માત્ર 2-3 લોકો જ ઊંચું વળતર માંગી રહ્યા છે. જે મામલો સમજાવટથી પતિ જાય તેમ છે. એટલે હવે હીરાસર ગામનું સ્થળાંતર ન કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.