કોરોનાની મહામરીમાં એમ.જે.સોલંકી એજન્સીના સ્ટાફ દ્વારા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સમરસ હોસ્ટેલમાં સારવાર લેતા કોરોનાના દર્દીના મૃત્યુ બાદ મળેલા પૈસા તેમના સ્વજનોને પરત કરી સેવા સાથે ઇમાનદારીનો પણ એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ એમ.જે. સોલંકી એજન્સીના આઉટસોર્સિંગ સ્ટાફમાં કામ કરતા એટેનડેન્ટ મકવાણા મહેશ અને કુ. તેજલ ચાંવ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રાજ હુણને એક દર્દીના પલંગની ચાદર નીચે રોકડ રકમ રૂ.3720 મળી આવતા તેઓએ પૂરી ઇમાનદારીથી તે રકમ મળી હોવાની જાણ કોન્ટ્રાક્ટર એમ.જે. સોલંકીના સમરસ ખાતેના એચ આર મેનેજર મહિપાલસિંહ જેઠવાને કરી હતી. જેમણે અહીંના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જાણ કરતા આ બેડ પર દાખલ થયેલા તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરાવી હતી.
જે તપાસને અંતે આ રકમ મૃતક દર્દી રમેશભાઈ માનસિંહભાઈ ખીમાનીયાની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમના સગાઓનો સંપર્ક કરી એમ.જે. સોલંકીના સ્ટાફ દ્વારા સુપ્રત કરવામાં આવ્યા હતા. આ મહામારીમાં પણ એજન્સીના નાના કર્મચારીની ઇમાનદારીનું ઉદાહરણ જોવા મળ્યું હતું. જેથી આ તમામ કર્મચારીને બિરદાવવામાં આવ્યા હતા અને તેઓની કામગીરી વહીવટી તંત્ર દ્વારા બિરદાવી હતી. એમ.જે. સોલંકી એજન્સી દ્વારા પણ કર્મચારીઓને બિરદાવ્યા હતા.