રિંગરોડ-2માં ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીમાં ફેઝ-3માં બની રહ્યા છે પાંચ બ્રિજ: રૂડાના ચેરમેન અમિત અરોરા દ્વારા કામગીરીનું નિરીક્ષણ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-2, ફેઝ-3 માં ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવેને જોડતા રસ્તા તથા પથરેખામાં આવતા 5 મેજર બ્રીજ સાથે 10.30 કી.મી.નાં 2-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. 39.50 કરોડનાં ખર્ચે પુર્ણતાને આરે છે જેની આજે મ્યુનિ. કમિશનર અને રૂડાના ચેરમેન અમિત અરોરાએ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.
રસ્તા તથા બ્રીજના કામોની સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અને રૂડાનાં ચેરમેનશ્રીએ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. તે બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રોડ પ્રોજેક્ટ્સ તથા બ્રીજનાં કામો આગામી 15-01-2022માં પુર્ણ કરવાની સંબધિત અધિકારીને સુચના આપી હતી. આજ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અને રૂડાના ચેરમેન સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી એન. એફ. ચૌધરી તથા પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ.મારૂ, કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર મુકેશ શોઢા અને આસી. મેનેજર મોનાલી ઢોલરીયા હાજર રહ્યા હતા.
રસ્તાની કામગીરી પુર્ણ થયે ગોંડલ રોડ નેશનલ હાઇવેને ભાવનગર તથા અમદાવાદ નેશનલ હાઇવે જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર થતા ટ્રાફીકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે.
રીંગરોડ-2, ફેઝ-2 કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીનો 11.20 કી. મી 3 મેજર બ્રીજ સાથેનો પુર્ણ કરી ગત 8 ઓગષ્ટે મુખ્યમંત્રીનાં વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.