રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક થોડી તોફાની બની હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી વચ્ચે ભારે રકઝક થવા પામી હતી. પ્રશ્ર્નોત્તરીમાં મૂળ પ્રશ્ર્નના બદલે ખોટી ચર્ચા કરી સમય વેડફવવામાં આવતો હોવાનું કહી વિપક્ષના એકમાત્ર કોર્પોરેટરે વોકઆઉટ કરતા સભા ગૃહમાં જયશ્રી રામના નારા લાગ્યા હતા. એક અરર્જન્ટ સહિત તમામ 21 દરખાસ્તોને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી. શહેરના કાલાવડ રોડ પર બનેલા પ્રથમ મલ્ટીલેવલ બ્રિજને શ્રીરામ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી વચ્ચે તુ…તુ…મેં…મેં
નરેન્દ્રસિંહ વાઘેલાના એક જ પ્રશ્ર્નની ચર્ચામાં પ્રશ્ર્નોત્તરીનો ‘અમૃત કાળ’ વેડફાયો: જમીન પ્રક્રિયાના કારણે અમૃતના અનેક કામો અટક્યા હોવાની બોર્ડમાં મ્યુનિ.કમિશનરની કબૂલાત
જનરલ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપ અને કોંગ્રેસના 20 કોર્પોરેટરોએ 24 પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. વણલખી પરંપરા મુજબ પ્રશ્ર્નોત્તરીનો એક કલાકનો સમય એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાઇ ગયો હતો. વોર્ડ નં.10ના કોર્પોરેટર નીરૂભા વાઘેલાના અમૃત યોજનાની ગ્રાન્ટના વિકાસ કામો અને પ્રોજેક્ટ અંગેની ચર્ચા લાંબી ચાલી હતી. ખોટા માર્ગે પ્રશ્ર્ન જતા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ વાંધો ઉઠાવ્યો હતો અને તેઓના પ્રશ્ર્નની ચર્ચા કરવાની માંગણી કરી હતી. જેના જવાબમાં બોર્ડમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેઓ વોકઆઉટ કરી સભા ગૃહની બહાર નીકળી રહ્યા હતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે એવો ટોળો માર્યો હતો કે તમામ કામમાં અડચણ ઉભી કરવી કોંગ્રેસની નીતી છે. તમે ભગવાન શ્રીરામના વિરોધી છો. બહાર નીકળો તેવું જોરથી કહેતા ભાનુબેન સોરાણી પાછા ફર્યા હતા અને જયમીન સાથે તકરાર પર ઉતરી આવ્યા હતા. મને પ્રજાએ ચૂંટીને મોકલી છે. તમે બહાર કાઢવા વાળા કોણ છો? એક સભ્યને તમે આવા શબ્દો ક્યારેય ન કહી શકો તેવું કહ્યું હતું. થોડીવાર માટે માહોલ ગરમા-ગરમીમાં ફેરવાઇ ગયો હતો. અંતે સિનિયર કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલની મધ્યસ્થીથી માહોલ શાંત થયો હતો. દરમિયાન ભાનુબેન સોરાણીએ વોકઆઉટ કર્યા બાદ સભા ગૃહમાં જયશ્રી રામના નારા લાગ્યા હતા.
અમૃત યોજના હેઠળ થયેલા વિકાસકામો અને મૂકવામાં આવેલા પ્રોજેક્ટના નિરૂભા વાઘેલાના સવાલના જવાબમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જમીન પ્રક્રિયાના કારણે અમૃતના અનેક પ્રોજેક્ટો અટવાયેલા પડ્યા છે. અધ્યક્ષસ્થાનેથી બે ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં શોક ઠરાવમાં વડોદરાના હરણી ખાતેના મોતના તળાવમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ પલ્ટી જવાના કારણે જે દુ:ખદ ઘટના બની હતી અને જે લોકોના મોત થયા હતા.
તેઓને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ ડે.મેયર કંચનબેન સિધ્ધપુરાએ વાઇબ્રન્ટ સમિટ-2024માં રેકોર્ડબ્રેક રકમના એમ.ઓ.યુ. બદલ રાજ્ય સરકારને અભિનંદન આપતો ઠરાવ રજૂ કર્યો હતો. જેને દંડક મનિષ રાડીયાએ ટેકો આપતા આ ઠરાવ પણ સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો. બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલી મુખ્ય એજન્ડાની 20 અને એક અરર્જન્ટ બિઝનેસ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. ચાર કોર્પોરેટરો રજા રિપોર્ટ મૂકી બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાનુબેન બાબરિયા અને મકબૂલ દાઉદાણીએ બોર્ડમાં હાજરી આપી ન હતી.
22મીએ કતલખાના પણ રહેશે બંધ
શ્રી રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આગામી સોમવારે એક દિવસ માટે રાજકોટ શહેરમાં આવેલા કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ નિર્ણય કરેલ છે અને તેની કડક અમલવારી કરાવવામાં આવનાર છે.
મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુએ જણાવ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવામાં આવશે તેમજ તેની કડક અમલવારી કરાવવા અને સુપરવિઝન કરવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અધિકારી-કર્મચારીઓને સુચના આપવામાં આવે છે.