રોગચાળા અને બિસ્માર રાજમાર્ગો અંગે ચર્ચા કરવાની માંગ છતાં શાસકો એકના બે ન થતાં કોંગી કોર્પોરેટરો સભા ગૃહ છોડી ચાલ્યા: આપના વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ બોર્ડમાં ઉભા રહી વિરોધ દર્શાવ્યો
રાજકોટવાસીઓને અસરકર્તા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવા માટે રાજકોટ મહાનગર પાલિકામાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠકમાં શાસકો અને વિરોધ પક્ષના નગરસેવકો પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો સમય ખોટી અને વાહિયાત ચર્ચા કરવામાં અને સામસામે આક્ષેપબાજી કરવામાં વેડફી નાંખે છે. આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં 15 કોર્પોરેટરોના 32 પ્રશ્ર્નો પૈકી એક માત્ર નગરસેવક મનિષ રાડીયાના બે પ્રશ્ર્નોની ચર્ચા બોર્ડમાં થઇ હતી. અનેક વખત ભાજપ, કોંગ્રેસ અને આપના નગરસેવકો સામાન્ય બાબતે રિતસર જીભાજોડી પર ઉતરી આવ્યા હતાં. દરમિયાન વારંવાર રજૂઆત કરવા છતાં શાસકોએ રોગચાળા અને બિસ્માર રસ્તાઓ અંગે ચર્ચા કરવા માટે એકના બે ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વોકઆઉટ કરી સભા ગૃહ છોડી નીકળી ગયા હતાં. બીજી તરફ પૂર્વ વિપક્ષી નેતા અને હવે આપમાં જોડાયેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ બોર્ડમાં ઉભા રહીને વિરોધ નોંધાવ્યો હતો.
અનેક વખત શાસક અને વિપક્ષના નગરસેવકો રિતસર સામસામે આવી ગયા હતાં. મનિષભાઇ રાડીયાના પ્રશ્ર્નના જવાબ વેળાએ વશરામ સાગઠીયાએ રોડ-રસ્તાનો પ્રશ્ર્નો મૂક્યો હતો ત્યારે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને નગરસેવકોએ એવું કહ્યું હતું કે પ્રજાના પ્રશ્ર્નો બોર્ડમાં રજૂ કરવા માટે આપની બે કલાકનો સમય નથી અને બોર્ડમાં ખોટા દેકારા કરો છો. વશરામ સાગઠીયા સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે આગામી ચુંટણીમાં પ્રજા તમને બાવડા પકડીને બહાર કાઢી મૂકશે. જેનો જવાબ આપતા જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આવી ડ્રામેબાજીના કારણે પ્રજા તમારી પર વિશ્ર્વાસ મૂકતી નથી. વાહિયાત ચર્ચા અને સામસામી આક્ષેપબાજીમાં જનરલ બોર્ડનો એક કલાકનો સમય વેડફાય ગયો હતો. 15 કોર્પોરેટરોના 32 પ્રશ્ર્નોની ચર્ચાના બદલે માત્ર એક નગરસેવકના બે પ્રશ્ર્નોની ચર્ચા થઇ હતી.