આ વર્ષે ઉતરપ્રદેશ અને બિહારના માંજા કારીગરોનું આગમન મોડું થશે: હાલ બે થી ત્રણ જ કારીગરોના ગ્રુપ શહેરમાં આવ્યા છે
આ વખતે મકરસંક્રાંતિ પૂર્વે ડીસેમ્બરમાં ચૂંટણીમાં ‘પેચ’ લાગશે, બીજી તરફ દર વર્ષે માંજો પાવા માટે ઉતરપ્રદેશ અને બિહારથી આવતા માંજો પાતા લોકોનું શહેરમાં આગમન થઇ ગયું છે. આમ તો નવેમ્બરના પ્રારંભથી જ ધીમે ધીમે ઉતરપ્રદેશ અને બિહારથી આ લોકોનું આગમન શરુ થઇ જાય છે અને ડીસેમ્બર સુધીમાં શહેરના સદર, શ્રોફ રોડ, સરદાર બાગ, કલેકટર કચેરીની આસપાસ દોરી તૈયાર કરતા લોકો આવી પહોચતા હોય છે પરંતુ આ વખતે ગુજરાતમાં ચુંટણીની મોસમ હોય હજુ બે કે ત્રણ સ્થળે જ દોરી તૈયાર કરવાવાળા આવ્યા છે.
લખનઉથી આવેલા રિયાઝભાઇએ એવું જણાવ્યું હતું કે હજુ માંજો પાતા લોકો પૈકીના બે કે ત્રણ જ ગ્રુપ આવ્યા છે, આગામી ડીસેમ્બરમાં ચુંટણી હોય તેના કારણે કદાચ અન્ય ગ્રુપ ડીસેમ્બરના બીજા સપ્તાહમાં આવશે. ઉત્તરપ્રદેશના આ લોકોની ‘માસ્ટરી ’ માંજો પાતા છે. રાજકોટમાં પતંગરસિયાઓ બરેલીની દોરી વધારે પસંદ કરે છે. જયારે બીજા નંબરે સુરતીદોરી આવે છે.
માંજો બનાવવામાં વિશેષ મહત્વ લબદી તૈયાર કરવાનું હોય છે, લબદીમાં હવે ચોખા વાપરવામાં આવતા હોવાનું પણ દોરી તૈયાર કરનારે જણાવ્યુઁ છે. એક હજાર વાર પતંગ દોરી એકવાર તૈયાર કરવાના રૂ. 40 થાય છે, આ જ દોરી જો ત્રણવાર પાવામાં આવે તો રૂ. 80 લેવામાં આવે છે. મકરસંક્રાંતિ નજીક આવશે તેમ આ ભાવ વધે તેવી શકયતા છે. ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા માંજો પાનાર ગ્રુપમાં મોટાભાગે એક જ પરિવાર કે નજીકના સગાં હોય તેવા જ કારીગરો આવતા હોય છે.
દોરી તૈયાર કરવાની પારંપરિક રીતમાં હજુ સુધી ટેકનોલોજીએ પ્રવેશ કર્યો નથી. એટલું જ નહી દોરી પાનાર લોકો પણ આજ સુધી બંને તરફ લાકડાના થાંભલા બાંધી હાથમાં લબદી લઇ દોરી તૈયાર કરવાની પારંપરિક પઘ્ધતિને જ અનુસરી રહયા છે. કેટલાક એવા પણ ગ્રુપ છે જે સદર વિસ્તારમાં તૈયાર દોરી વેચતા વેપારીઓને માંજો પાયેલી ફિરકી તૈયાર કરીને જથ્થાબંધના ભાવે વેચી દેતા હોય છે. ટુંકમાં માંજો પાવા માટે સ્પેશ્યલ રાજકોટ સહિતના શહેરોમાં આવતા આ લોકોનું આ વખતે ચુંટણીના કારણે મોડુ આગમન થશે.