રાજકોટમાં ગઇકાલે મધરાતે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી ઝનાના હોસ્પિટલ પાસેથી મોબાઈલ એકસેસરીઝના વેપારીનું પૈસાની ઉઘરાણીના પ્રશ્ને મારકૂટ કરી ક્રેટા કારમાં અપહરણ કરી તેને ઘર પાસે છોડી દીધો હતો. જ્યારે આ બનાવ મામલે એ ડીવીઝન પોલીસે પાંચ આરોપીઓ સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
યુવાને હાથ ઉછીની લીધેલી રકમ બે માસથી ભરપાઇ નહીં કરતા પાંચેય શખ્સોએ ક્રેટા કારમાં ઉપાડી જઇ મારકૂટ કરી ઘર પાસે ફેંકી દીધો
વિગતો મુજબ શહેરમાં દાણાપીઠમાં આવેલા સિંધીના ડેલામાં રહેતા જયેશ ઉર્ફે જેકી જગદીશ મેઠાણી (ઉ.વ.૨૮) એ એ ડિવિઝન પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં શાહરૂખ ઉર્ફે ડોનું અમીનભાઈ વિકયાણી, શહેઝાદ ઉર્ફે સેજુ,નદીમ હનીફ સેતા,નવાઝ અને ધીરો પરમાર ના નામો આપ્યા હતા.જેમાં જયેશ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ચારેક વર્ષ પહેલા ક્રિકેટ રમવા જતો ત્યારે શાહરૂખ ઉર્ફે ડોનુ અમીન વિકયાણી અને શહેજાદ ઉર્ફે સેજુ પણ ક્રિકેટ રમવા આવતા હોવાથી ઓળખાણ અને મિત્રતા થઇ હતી. અઢી વર્ષ પહેલા ધંધા માટે તેણે શાહરૂખ પાસેથી રૂા. ૨.૫૦ લાખ હાથ ઉછીના લીધા હતા. કટકે-કટકે રકમ ચૂકવતો હતો.છેલ્લા બે મહિનાથી પૈસાની સગવડ નહીં થતાં શાહરૂખ અવારનવાર ફોન કરી ઉઘરાણી કરતો હતો. ગઇકાલે રાત્રે ૨.૩૦ વાગ્યે તે મિત્ર સુરજ અને કમલેશ સાથે સ્કોર્પિયોમાં હોસ્પિટલ ચોક ખાતે ચા પીવા અને ફાકી ખાવા માટે ગયો હતો. ઝનાના હોસ્પિટલના ગેઇટ પાસે ચા પી રહ્યો હતો.ત્યારે ક્રેટા કારમાં શાહરૂખ, શહેજાદ અન્ય ત્રણ શખ્સો સાથે આવ્યા હતા. બંને તેને જોઇ જતાં તેની પાસે આવી ઝગડો કરી, ગાળો ભાંડી કહ્યું કે તું રૂપિયા આપી દે ત્યારબાદ બંનેએ માર માર્યો હતો.
આ ઉપરાંત સાથે રહેલા નદીમ સેતા, નવાઝ અને ધીરા પરમારે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ પછી તેને કેટા કારમાં બેસાડી જ્યુબેલી ચોક તરફથી રેસકોર્સ રિંગ રોડથઇ રૈયા ચોકડીથી માધાપર ચોકડી અને ત્યાંથી જામનગર સાંઢિયા પૂલ પાસે આવી પેટ્રોલ પંપ નજીક લઇ આવી તેને ઉતારી દીધો હતો. બાદમાં શાહરૂખે ધોકા વડે તેને માર માર્યો હતો. શહેજાદ અને નદીમે ફરીથી ગડદાપાટુનો માર મારી કારમાં બેસાડી દાણાપીઠમાં તેના ઘર પાસે ઉતારી દીધો હતો.તે વખતે શાહરૂખે કહ્યું કે મને મારા રૂપિયા આપી દેજે, નહીંતર તને જાનથી મારી નાખીશ. આ પછી મિત્ર સુરજને કોલ કરતાં તેણે કહ્યું કે તને ક્રેટા કારમાં લઇ જવાયા બાદ તે અને કમલેશ સ્થળ પર ઉભા હતા ત્યારે શાહરૂખ સાથે આવેલા નવાઝ અને ધીરા પરમારે તેની સ્કોર્પિયો ગાડીમાં બેસી ક્રેટા કારનો પીછો કરવાનું કહ્યું હતું. બાદમાં આમ્રપાલી ફાટકથી યુ- ટર્ન લેવડાવી ગાયકવાડીમાં ઉતારી દેવાનું કહેતા તેમ કર્યું હતું.હુમલાને કારણે જયેશને પગમાં દુઃખાવો થતાં સિવિલમાં સારવાર લીધી હતી. જ્યાંથી રજા મળતા બાદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.