- નિવૃત PI પુત્રને ફોર્ચ્યુન કારે હડફેટે લઈ ફૂટબોલની જેમ ફંગોળ્યો: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- પિતરાઈ બહેનની લગ્નની કંકોત્રી આપવા જતા ભાઈને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત
રાજકોટના કાલાવડ રોડ પર ગઈ કાલે ધસમસતી દોડી આવતી ફોર્ચ્યુન કારે એક એક્ટિવા ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા-પિતાની મેરેજ એનિવર્સરીના દિવસે જ એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું. નિવૃત પીઆઇના પુત્રને કાર ચાલકે હડફેટે લઈ ફૂટબોલની જેમ ફંગોળ્યો હતો. પિતરાઈ બહેનની કંકોત્રી આપવા નીકળેલો ભાઈ કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર આલાપ એન્કલેવની બાજુમાં આવેલી આવકાર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પી.આઈ. ભુપતભાઈ તેરૈયાના એકલૌતા પુત્ર મનિષ તૈરૈયા (ઉં.વ.૨૭) પિતરાઈ બહેનની કંકોત્રી આપવા નીકળ્યો હતો. તે દરમિયાન કાલાવડ રોડ પર કોસ્મો સિનેમા પાસે પુરઝડપે દોડી આવતી ફોર્ચ્યુન કારે યુવાનને હડફેટે લેતા તેને ફૂટબોલની જેમ ફંગોળ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એકના એક પુત્ર મનિષનું મૃત્યુ નિપજતાં તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. કરૂણતા એ છે કે મનિષના માતા-પિતાની આજે મેરેજ એનિવર્સરી હતી. તે દિવસે જ તેનું મોત નિપજતાં પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ શોકમાં ડૂબી ગયા હતા.
આ અંગે વધુ માહિતી મુજબ મનિષ ત્રણ બહેનોનો એકલૌતો ભાઈ હતો. દોઢ વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. તે જોબ કન્સલટન્સી ચલાવતો હતો. આજે તેના માતા-પિતાની ૪૨મી મેરેજ એનિવર્સરી હતી. જેથી તેની તૈયારીમાં સવારથી લાગી ગયો હતો. આ માટે કાલાવડ રોડ પર ડિનર માટે હોટલમાં બુકિંગ કરાવ્યું હતું. બપોરે ઘરે મહેમાન આવ્યા હોવાથી તેમની માટે શ્રીખંડ વગેરે ખરીદ કરી ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ પિતરાઈ બહેનની કંકોત્રી આપવા કાલાવડ રોડ પાસે કોસ્મો સિનેમા નજીક ફોર્ચ્યુન કારે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવારમાં જ મનિષે દમ તોડતા પરિવાર પર કાળો કહેર વરસી પડ્યો હતો.
આ અકસ્માતનો વીડિયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં પુરપાટ વેગે નીકળેલી ફોરચ્યુનર કારે જે રીતે મનિષને હડફેટે લેતાં તે દૂર સુધી પટકાયો તે દ્રશ્યો જોઈ લોકોમાં અરેરાટી મચી ગઈ હતી. મનિષના પિતા ભુપતભાઈ તેરૈયા મૂળ અમરેલીના ચરખા ગામના વતની છે. રાજકોટ પીજીવીસીએલમાંથી પીઆઈ તરીકે નિવૃત્ત થયા હતા. ગાંધીગ્રામ પોલીસે તેમની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.
આજે અકસ્માતના જે દ્રશ્યો વાયરલ થયા તેના પરથી જાણવા મળ્યું કે અકસ્માત સર્જનાર ફોરચ્યુનર કારનો ચાલક માતેલ સાંઢની જેમ ડ્રાઈવિંગ કરતો હતો. શહેરમાં પ્રાણઘાતક અકસ્માતો મોટાભાગે વાહનોની ફુલ સ્પીડને કારણે સર્જાતા હોવા છતાં ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડમાં જતાં વાહનો સામે મહદઅંશે કેસો કરવાનું ટાળે છે. તેની સામે એકલ દોકલ ટુ વ્હીલર ચાલકને કાગળીયાના નામે ઉભા રાખી કેસો કરવાનું વધુ પસંદ કરે છે.