ચાર વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા ૨૮૫ ઘણોનો સર્વે
રાજકોટ શહેર આસપાસનાં તાલુકા અને જીલ્લાઓમાંથી સ્વાઈનફલુના દર્દીઓમાં દિન પ્રતિદિન વધારો થતા જોવા મળીરહ્યો છે. ત્યારે રાજકોટના વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો હોય અને ગઈકાલે ચાર વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર સાબદુ થયું છે.
રાજકોટ શહેરમાં રણછોડનગર સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષિય વૃધ્ધનું ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમા સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક ૩૦ સુધી પહોચતા તંત્ર સફાળુ થયું હતુ જેની સાથે રાજકોટ સંતકબીર જેવા ગીચ વિસ્તારમાં ચાર વર્ષના બાળકનો સેમ્પલ લીધા બાદ રિપોર્ટ પોઝીટીવ આવતા મહાનગરપાલીકા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો હતો.
જે વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયો છે. તેની આસપાસનાં વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી માટે ત્રણ ટીમ ઉતારવામાં આવી હતી શહેરના ગીર વિસ્તારમાં બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આસપાસના ૨૮૫ જેટલા ઘરોમાં ૧૧૪૨ લોકો પર સર્વે કરવામં આવ્યો હતો.
જયારે બાળકના સીધા સંપર્કમાં રહેલા ચાર લોકોને અગમચેતીના ભાગરૂપે ટેમી ફલુ આપી દેવાઈ હતી.
રાજકોટમાં રવિવારે ચાર વર્ષનાં બાલકનાં પોઝીટીવ રિપોર્ટ સાથે વૃધ્ધના મોતથી ફલુ વધારે આક્રમક બન્યો હતો. વૃધ્ધના મોતની સાથે રાજકોટ શહેરમાં નોંધાયેલ ૩૭ પોઝીટીવ કેસોમાંથી ૭ના મોત નિપજયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૩૧ કેસોમાંથી ૭ના મોત નિપજયા હતા. હાલ ૧૧ જેટલા દર્દીઓની સારવાર સ્વાઈનફલુ હેઠળ ચાલી રહી છે.