શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા આધેડ જીંદગીની 40 રનની આખરી ઇનિંગ્સ રમ્યા

ગભરામણ થયા બાદ પાર્ક કરેલા સ્કૂટર પર બેસતા જ પ્રૌઢ ઢળી પડ્યા: સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને અન્ય રમતો જાણે શાપિત થઈ હોય તેમ એક બાદ એક રમતવીરના મોત નિપજી રહ્યા છે. જેમાં ગઇ કાલે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટની મેન્ટલી ગેમમાં વધુ એક ખેલાડીનું હાર્ટ ફેલ થઈ ગયું છે. જેમાં આધેડ પોતાના જીવનની 40 રનની આખરી ઇનિંગ્સ રમ્યા હતા. આઉટ થયા બાદ ગભરામણ થતા પાર્ક કરેલા સ્કૂટર પર બેઠા હતા અને અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસિંગ શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડતાં ગ્રાઉન્ડ પર દોડધામ મચી ગઇ હતી. જેથી સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી.

આ અંગે ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મયૂરભાઈ આજે રવિવારની રજા હોવાથી મિત્રો સાથે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા.

તેઓ 40 રં બનાવીને આઉટ થયા હતા. ત્યારે બાદ તેમને ગભરામણ થતા સાઈડમાં પાર્ક કરેલા સ્કૂટર પર બેઠા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. જેથી સાથી ખેલાડીઓએ તેમને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, મયૂર રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતા હતા. તેને કોઈ જાતની બીમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો અને ત્યાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.

બે માસમાં પાચ રમતવીરોની મેદાન પર જ જીવનની ઇનિંગ્સ પૂરી થઈ

રાજકોટમાં ગઇ કાલે શાસ્ત્રી મેદાન પર મયૂર મકવાણા રવિવારે ક્રિકેટ રમતી વેળાએ આઉટ થયા બાદ મેદાનમાં જ બેભાન થઇને ઢળી પડ્યો હતો. તો બીજી તરફ એક માસ પહેલા માધવરાવ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મીડિયાકર્મી જિગ્નેશ ચૌહાણનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયું હતું. તો 34 દિવસ પહેલા ડીસાથી ભાણેજના લગ્નમાં આવેલો ભરત બારૈયા નામનો યુવાન શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમીને બહાર નીકળ્યો હતો અને તેનું હૃદય બેસી જતા મોત થયું હતં અને તે પહેલા ભારતીનગરના રવિ ગાવડે નામના યુવકનું રેસકોર્સમાં ક્રિકેટ રમતી વખતે અને તેજ દિવસે મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતી વખતે વિદ્યાર્થી વિવેકકુમારનું મૃત્યુ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.