બે દિવસથી કોરોનાના લક્ષણ જણાતા ગઈકાલે કરાવેલો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો: હોમ આઈસોલેટ થયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોનાની મહત્વપૂર્ણ એવી ગાઈડ લાઈનના કરવામાં આવેલા ઉલાળિયાના કારણે હવે રાજ્યમાં ફરી કોરોનાએ અજગરી ભરડો લીધો છે. દિન-પ્રતિદિન કેસો નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, ગત સોમવારથી શરદી અને સામાન્ય તાવ જણાતા ગઈકાલે કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી અને હોમ ક્વોરન્ટાઈન થયો છું, તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મારા ધર્મપત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી અગાઉ જ કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે. હાલ મારા સીવાય ઘરના કોઈ સભ્યોને કોરોનાની અસર નથી. પોતાના સંપર્કમાં આવેલા કાર્યકરોને પણ રિપોર્ટ કરાવી લેવા તેઓએ તાકીદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓને સારવાર માટે સ્ટાર સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જેટલા કેસો નોંધાય છે તેમાં 55 ટકાથી વધુ કેસ માત્ર રાજકોટ કે શહેરમાં નોંધાઈ રહ્યાં છે.