શાકભાજી લઈને પરત જતાં ફરતા યુવાનને કાળ ભેટ્યો:પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે ગઇ કાલે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રિપલ સવારી બાઈકને કાર ચાલકે ઠોકર મારતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશના અને હાલ રાજકોટમાં નવાગામના રંગીલામાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરતા ચંદ્રભાન રામશ્રીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧) અને અમિત ચૌહાણ તથા જયંત ચૌહાણ ત્રણેય બાઈક પર શાકભાજી લેવા માટે ગયા હતા.
જ્યાંથી પરત ફરતી વેળાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ ચંદ્રભાન ચૌહાણે પ્રાથમિક સારવારમાં દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
જ્યાં ચંદ્રભાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મૂળ ઉતરપ્રદેશના જોનપૂર જિલ્લાના રહેવાસી હોવાનુ અને ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.