સમાધાન માટે પૈસા માંગી પુત્રોને મારી નાખવાની ધમકી દેતા વૃદ્ધે ઝેર પી જીવન ટૂંકાવ્યું
ચાર શખ્સો સામે આપઘાતની ફરજ પાડવાનો નોંધાતો ગુનો: અન્ય ચાર સામે પણ કડક પગલાં લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
રાજકોટના ભાગોળે આવેલા લાખાપર ગામે પોલીસ ફરિયાદ મામલે ધાક ધમકી આપતા વૃદ્ધે આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સમાધાનના પૈસા માંગી પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધે ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે ચાર શખ્સો સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. તો પરિવારજનોએ અન્ય ચાર શખ્સોના નામ ફરિયાદમાં ઉમેરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા લાખાપર ગામમાં રહેતા કિંજલબેન મહેશભાઈ મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભૂતકાળમાં થયેલી પોલીસ ફરિયાદમાં સમાધાન મામલે પાડોશમાં રહેતા રમેશ લક્ષ્મણ પરમાર, કિશોર લક્ષમણ પરમાર, જનક જેસિંગ પરમાર અને અક્ષય કિશોર પરમાર ફરિયાદીના સસરા ભીમજીભાઈ ભીખાભાઈ મકવાણા પાસે પૈસાની ઉઘરાણી કરી તેમના પુત્રોને મારવાની ધમકી આપી હતી.
જેના પગલે ગભરાઈ ગયેલા વૃદ્ધ ભીમજીભાઈ મકવાણાએ ઝેરી દવા પી લેતા તેને ગોંડલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડતા પોલીસે રમેશ, કિશોર, જનક અને અક્ષય સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મૃતકના પરિવારજનોએ અન્ય આરોપીના નામ પોલીસે ફરિયાદમાં દાખલ ન કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં જણાવ્યા મુજબ જયાબેન જેસીંગ પરમાર, પારૂબેન વિનોદ પરમાર, ભરત હસમુખ પરમાર અને નરેશની પત્ની સામે પોલીસને ગુનો નોંધવા અને તમામ આરોપીને દબોચી લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.