બીમારને રોજીંદા સારવાર આપનાર નર્સ જ ખુદ પોતાની સારવારમાં ખત્તા ખાઈ ગઈ અથવા તો કોઈ ભુલ થઈ ગઈ હોય તેમ રાજકોટના કાલાવાડ રોડ પર વૃદાવન સોસાયટીમાં રહેતી વત્સલાબેન સુરેશભાઈ વિશ્વકર્મા (ઉ.વ.૪૦) નામની કેરેલિયન નર્સ ડાયાબીટીશનું પોતાની જાતે જ ઈન્જેક્શન લેવા જતાં બેશુધ્ધ બની મૃત્યુ નિપજ્યાનો બનાવ તાલુકા પોલીસમથકે નોંધાયો હતો.
બનાવની પોલીસના સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ કેરલના વતની વત્સલાબેન ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ ફેક્ટરીમાં નોકરી કરે છે. સંતાનમાં ૧૩ વર્ષની એક પુત્રી છે. આજે નાઈટશીપ પુરી કરીને વત્સલાબેન ઘરે આવ્યા હતા. પોતાની જાતે ડાયાબીટીશનનું ઈંજેક્શન લીધું હતું. ઘેર એકલા જ હતા. ઈન્જેકશન લીધા બાદ બેશુધ્ધ બની ગયા હતા. પુત્રી સ્કુલેથી બપોરે આવી ત્યારે માતા બેશુધ્ધ હાલતમાં પડી હતી. તુરત જ પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. અને પિતા, પુત્રી બંનેએ સારવારમાં ખસેડયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યાહતા.
તપાસનીસ એ.એસ.આઈ. અજીતસિંહના કહેવા મુજબ વત્સલાબેનને સાડા ચાર વર્ષથી ડાયાબીટીશની બીમારી હતી. તેઓ જાતે જ ઈન્જેક્શન લેતાં હતા. રોજીંદા ઘટનાક્રમ મુજબ આજે પણ ઘરે આવ્યા બાદ ઈન્જેકશન લીધું હતું બાદમાં બેશુધ્ધ બની ગયા હતા. મહિલાએ જ ઈન્જેક્શન લીધું હતું તે ઈન્જેક્શન, સિરિંજ સહિતની વસ્તુઓ કબજે લેવાયા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પી.એમ. કરાવાયું છે. રિપોર્ટ આવ્યે કારણ બહાર આવે જો કે હાલ તો ઈન્જેકશનને લઈને જ મૃત્યુ થવાનું જાણવા મળે છે.