હત્યાની કોશિશ, દારૂ, લૂંટ, હથિયાર સહિત નવ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો
શહેરના કાલાવડ રોડ નજીક ભીમનગર સર્કલ પાસે તમંચા સાથે નામચીન શખ્સને તાલુકા પોલીસને ઝડપી લઇ શું કામ રાખતો અને કોની પાસેથી લાવ્યો તે મુદ્દે તપાસનો ધમધમાટ આદર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારશોધી કાઢવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે તાલુકા પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
મુળ ઉતર પ્રદેશનો અને હાલ વાંકાનેર ખાતે રહેતા રાજુ ઉર્ફે ડીમ્પલ કૃષ્ણ મુરારી યાદવ નામનો શખ્સ હથિયાર સાથે ભીમનગર સર્કલ નજીક ભીમનગર ગેઇટ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. વી.એન. મોટવાડીયા અને એ.એસ.આઇ. આર.બી. જાડેજા સહીતના સ્ટાફે ગોઠવેલી વોચમા રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવની અટકાયત કરી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂ. 10 હજારની કિંમતનો તમંચો સાથે ધરપકડ કરી હતી.ઝડપાયલા રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવ લુંટ, હત્યાની કોશિષ, દારૂ, હથિયાર અને બળજબરી જેવા ગુનામાં તાલુકા, કુવાડવા ક્રાઇમ બ્રાંચ અને એ.ટી.એસ.ના ચોપડે ચડી ચુકયો છે. આ હથિયાર શું કામ રાખતો અને કોની પાસેથી લાવ્યો તે મુદ્દે તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.