2022માં બે અલગ અલગ જમીન બારોબાર વેંચી દેવાઈ : વેચાણખત વેરીફાય કરનાર નોટરીનું 2012માં મૃત્યુ થયાનું પોલીસ ચોપડે નોંધાયું

પાછલા થોડા સમયમાં પોલીસ પાસે બે એવા કેસ સામે આવ્યા જેમાં 12 વર્ષ પહેલા મૃત્યુ પામેલા નોટરીના સ્ટેમ્પનો ઉપયોગ કરીને જમીનનું ખરીદ-વેચાણ કરવામાં આવ્યુ હતું. જમીનના માલિકોને જ્યારે ખબર પડી કે તેમની જમીન વેચાઈ ગઈ છે ત્યારે સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો. નકલી દસ્તાવેજનો ઉપયોગ કરીને આ જમીન વેચવામાં આવતી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજકોટના જે નોટરીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા નોટરીનું રાજકોટમાં કોઈ અસ્તિત્વ જ નથી.

અમદાવાદ- ગાંધીનગરના શાહપુર ગામમાં રહેતા ભરતસિંહ સોલંકીને જ્યારે કોર્ટ તરફથી નોટિસ મળી કે તેમનો 30 વીઘાનો પ્લોટ વેચાઈ ગયો છે તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ક્યારેય કોઈની પણ સાથે આ પ્લોટ વેચવાને લગતી ડીલ કરી જ નહોતી. ભરતસિંહે પોલીસનો સંપર્ક સાધ્યો અને તપાસ દરમિયાન ખુલાસો થયો કે ડીલના દસ્તાવેજ બનાવટી હતા. આટલુ જ નહીં, દસ્તાવેજ પર એવા નોટરીના સહી-સિક્કા કરવામાં આવ્યા હતા જે વર્ષો પહેલા દુનિયા છોડીને જતા રહ્યા છે તેવું પોલીસે જમીનના મૂળ માલિકને જણાવ્યું હતું.

જ્યારે પોલીસને આ જ મૃત નોટરીના સીલ સાથે અમદાવાદ જિલ્લામાં થયેલી આ પ્રકારની બીજી ડીલ વિશે જાણકારી મળી તો તેમણે કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી જેથી આ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે. આ બન્ને ડીલ 2022માં થઈ હતી. તમામ ડોક્યુમેન્ટ પર કથિત રાજકોટરના નોટરી બી.બી. ગાંધીના સ્ટેમ્પ લગાવવામાં આવ્યા હતા, જેમનું ફેબ્રુઆરી 23, 2010ના રોજ નિધન થઈ ગયુ હતું. જુલાઈ 2022માં પ્રથમ કેસ સામે આવ્યો હતો, જેમાં ઠગોએ ગાંધીનગરના ડાભોડા ગામમાં ભરતસિંહની જમીન વેચવાનો પ્રયત્ન કર્યો. તપાસ અનુસાર, ફરિયાદીના બાળપણના મિત્ર સુમન પટેલ જે નરોડામાં રહે છે તેમણે સિક્યોરિટી ગાર્ડની નોકરીની ખાતરી આપીને અમુક દસ્તાવેજો પર સહી કરાવી હતી.

ડિસેમ્બર 2022માં ભરતસિંહને ગાંધીનગરની સિવિલ કોર્ટ તરફથી એક નોટિસ મળી હતી. આ નોટિસમાં જમીનની કોઈ ડીલની વાત હતી. આ જોઈને ભરતસિંહ ચોંકી ગયા હતા. તેમણે ગાંધીનગર જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે સુમન પટેલે જમીન ઉંઝાના કોઈ વ્યક્તિને બે લાખ રુપિયામાં વેચી છે. પોલીસે જોયું કે દસ્તાવેજો પર જેમના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમનું મૃત્યુ 12 વર્ષ પહેલા થઈ ગયુ હતું.

બીજો કેસ અમદાવાદ જિલ્લાથી આવ્યો હતો, અહીં લપકામણ ગામમાં એક એનઆરઆઈ કપલની 1310 સ્ક્વેર મીટર જમીન પણ આ જ પ્રકારે વેચી દેવામાં આવી હતી. 30 ડિસેમ્બર 2020ના રોજ કપલના દીકરા બ્રિજેશ પટેલને જમીનના ક્લિઅરન્સની એક નોટિસ મળી અને તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમણે આરોપ મૂક્યો કે દેત્રોજના બિલ્ડર હિતેષ પટેલે 2020માં બનાવટી દસ્તાવેજ તૈયાર કરાવ્યા હતા. દસ્તાવેજ અનુસાર, બ્રિજેશના પિતા રમણલાલ જે 2016થી અમેરિકા છે, તેમણે માત્ર 13 લાખ રુપિયામાં આ જમીન હિતેષને વેચી છે.

બોપલ પોલીસે જણાવ્યુ છે કે, આ દિવંગત નોટરીના નામનો ઉપયોગ કરીને કોણ દસ્તાવેજ કરે છે તે જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે.

પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા કલેક્ટરની ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2007ની વિધાનસભાની ચૂંટણી તેમજ 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારે બી.બી. ગાંધીના સ્ટેમ્પનો ઉપયોગ કરીને ઘણાં નેતાઓએ એફિડેવિટ કરાવ્યા હતા.

પોલીસે રેકર્ડ પર લીધેલા નોટરી બી. બી. ગાંધીનું રાજકોટમાં કોઈ અસ્તિત્વ જ નહિ!!

અમદાવાદ પોલીસે એવુ નોંધ્યું છે કે, રાજકોટના નોટરી બી. બી. ગાંધીના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમનું વર્ષ 2010માં અવસાન થઇ ગયું છે પરંતુ  ખરેખર રાજકોટમાં એવા કોઈ દિવંગત  બી. બી. ગાંધી નામના  નોટરીનું અસ્તિત્વ જ નથી. રાજકોટ નોટરી ફેડરેશન સાથે વાત કરતાં તેમણે પણ આવી કોઈ વ્યક્તિનું અસ્તિત્વ નહિ હોવાનું જણાવ્યું હતું કે, જેમનું 12 વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું હોય. તો હવે ખરેખર બી. બી. ગાંધી કોણ છે? તે મોટો સવાલ છે. બી. બી. ગાંધી નામની કોઈ વ્યક્તિ ખરેખર નોટરી છે કે કેમ કે પછી કોઈ વ્યક્તિએ બી. બી. ગાંધી નામના નોટરીનું બોગસ સ્ટેમ્પ ઉભું કર્યું છે ? તે પણ સવાલ છે. હવે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો સાચી વિગતો સામે આવી શકે છે.

રાજકોટના નોટરીના બોગસ સ્ટેમ્પ ઉભા કરાયા?

જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ 12 વર્ષ પહેલા અવસાન થયું હોય તેવા બી. બી. ગાંધી નામના કોઈ નોટરી ખરેખર રાજકોટમાં હતા જ નહિ. તો પછી કોઈ ભેજાબાજે બોગસ સ્ટેમ્પ ઉભા કર્યા છે કે કેમ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. પડદા પાછળ રહીને કોઈ ભેજાબાજે ખેલ પાડી  દીધાનું હાલ પ્રાથમિક તબક્કે ફલિત થઇ રહ્યું છે. ખરેખર આવા કોઈ નોટરી હતા કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસમાં ઝુકાવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.