અડધાથી વધુ આજી ડેમને સૌની યોજના અંતર્ગત ભરી દેવાયો

છેલ્લા એક મહિનાથી સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન ચોમાસાની સિઝનમાં જે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી ન હતી. તેવા ડેમોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં અડધાથી વધુ નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો છે. જો કે, કોર્પોરેશન દ્વારા નર્મદાના નીરની માંગણી કરવામાં આવી ન હતી છતાં સરકાર દ્વારા ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું. જેનું બિલ ન મોકલવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા ટૂંક સમયમાં સરકારને પત્ર લખી વિનંતી કરવામાં આવશે.

સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાના કારણે રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ડેમના દરવાજાઓ ખૂલ્લા રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજકોટના આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત માંગ્યા વિના રાજ્ય સરકાર દ્વારા 536 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે અને ન્યારી ડેમમાં 100 એમસીએફટી પાણી ઠલવાયું છે. 934 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતા આજી ડેમને 60 ટકા જેટલો નર્મદા નીરથી ભરી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાજકોટને આપવામાં આવતા નર્મદાના નીર, સૌની યોજના અંતર્ગતનું પાણી સહિતના બિલ પેટે 946 કરોડ રૂપિયા બાકી નીકળે છે. વારંવાર તાકીદ કરવા છતાં આ પૈસા કોર્પોરેશન ચૂકવતું નથી. જો કે તંત્રની આર્થિક સ્થિતિ પણ એટલી સધ્ધર નથી કે પૈસા ચૂકવી શકાય આવામાં માંગ્યા વગર જે નર્મદાનું પાણી આપવામાં આવ્યું છે તેનું બિલ ન મોકલવા હવે પત્ર દ્વારા વિનંતી કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.