શહેરના ભાવનગર રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ફેક્ટરીમાંથી 4થી5 અજાણ્યા શખ્સો ઓક્સિજનના બદલે નાઇટ્રોજનના બાટલા ચોરી ગયાની ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે લોકોને કોઈ પણ અજાણ્યા શખ્સો પાસેથી ઓક્સિજન ન ખરીદવા માટે અપીલ કરી છે. આ મહામારીમાં લોકોને છેતરવા માટે લેભાગુ તત્વો કોઈ પણ વસ્તુ આપી દેતા હોય છે. જેના કારણે દર્દીઓ વધારે મુશ્કેલીઓ પડી શકે છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગઈ કાલે રાતે 4થી 5 અજાણ્યા શખ્સો કારખાનામાં ઘુસી ઓક્સિજનના બદલે નાઇટ્રોજનના 3 બાટલાઓ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરિયા સહિતના સ્ટાફે તુરંત જ એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સીસીટીવીના આધારે જોવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા 4થી 5 ઇશામો બાલકૃષ્ણ કારખાનામાં પ્રવેશ કરી નાઇટ્રોજનના 3 સિલિન્ડર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે એક તરફ આ તસ્કરોની તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ લોકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા લોકો પાસેથી ઓક્સિજનના સિલિન્ડર ખરીદવા નહિ. લેભાગુ તત્વો પૈસા માટે લોકોનો જીવ જોખમમાં નાખી ઓક્સિજનના બદલે નાઇટ્રોજનના બાટલા આપી દેતા હોય છે. જેના કારણે પહેલાથી જ ગંભીર હાલતમાં સારવાર લઇ રહેલા દર્દીઓના જાનનું જોખમ વધી જતું હોય છે.