સરપંચે જાણ કરતા 108ની ટીમે માસુમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યું, વાલી વારસની શોધખોળ
રાજકોટની ભાગોળે આવેલા કાગદડીના પાટિયા પાસેથી નવજાત શિશુ મળી આવતા સરપંચ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. જેથી 108ના સ્ટાફ બાળકને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડયું હતું. જ્યાં હાલ નવજાત પુત્રની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી વાલીની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા કાગદડી પાટિયા પાસે જારિયા ગામ તરફ જવાના રસ્તે એક માસુમ ફૂલ જેવું બાળક કોઈ ત્યજીને જતું રહ્યું હતું. રાહદારીને આ અંગે જાણ થતાં તેઓએ તુરંત સરપંચ પ્રદીપભાઈ ચાવડાને જાણ કરી હતી. જેથી સરપંચ અને આશા વર્કર કંચનબેન સાગઠીયા તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ અંગે જોતા અંદાજિત એક દિવસનું નવજાત પુત્ર કણસતું હતું. જેથી સરપંચે તુરંત 108માં જાણ કરી હતી. જેથી બેડી ચોકડી પોઇન્ટ પરથી ઇ.એમ.ટી.નિલેશ ગોહિલ, પાયલોટ ગોરધનભાઈ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં માસૂમને પ્રાથમિક સારવાર આપી તેને સિવિલ હોસ્પિટલ ખાતે એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પોલીસે ઘટનાની નોંધ કરી નવજાત શિશુના વાલી વારસની શોધખોડ હાથધરી છે.