શહેરના પૂર્વ વિસ્તારમાં પણ હવે વિકાસના દ્વાર ખૂલશે
જનરલ બોર્ડમાં ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત: ટીપી સ્કિમ નં.38નું ક્ષેત્રફળ 126.68 હેક્ટર જ્યારે ટીપી સ્કિમ નં.39નું ક્ષેત્રફળ 150.06 હેક્ટરનું રહેશે
શહેરના પશ્ચિમ વિસ્તારની માફક હવે પૂર્વ વિસ્તારમાં પણ વિકાસના નવા જ દ્વાર ખૂલશે. અત્યાર સુધી વિકાસથી વંચિત રહેલા ખોખળદળી નદી પાસેના વિસ્તાર અને કોઠારિયા ગામના વિસ્તારના વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી બે ટીપી સ્કિમ બનાવવામાં આવશે. આગામી 19મી મેના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ટીપી સ્કિમ નં.38 અને 39 (કોઠારિયા) બનાવવા માટે ઇરાદો જાહેર કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે સૂચિત ટીપી સ્કિમ નં.38 અને 39 ને બનાવવા માટે રાજ્ય સરકારના મુખ્ય નગર નિયોજક દ્વારા ગત 13 એપ્રિલના રોજ કોર્પોરેશનને મંજૂરી આપવામાં આવી હતી. નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટીપી સ્કિમ નં.38નું અંદાજીત ક્ષેત્રફળ 12,66,846 ચો.મીટર એટલે કે 126.68 હેક્ટરનું રહેશે. જેમાં રૂડા દ્વારા મંજૂર વિકાસ યોજના-2031માં રહેણાંક અને ગામ તળ એક્સટેન્શન સૂચવવામાં આવ્યું છે. તેના આધારે ટીપી બનાવી ખૂબ જરૂરી દેખાઇ છે. ટીપી સ્કિમની ઉત્તર દિશાએ ટીપી સ્કિમ નં.30 (કોઠારિયા)ની હદ આવેલી છે. જ્યારે દક્ષિણ તરફ ટીપી સ્કિમ નં.39ની હદ રહેશે. પૂર્વ વિસ્તારમાં ખોખળદળી નદી અને ત્યારબાદ કોઠારિયાના સર્વે નંબર આવેલા છે. પશ્ર્ચિમ દિશામાં ટીપી સ્કિમ નં.31 (કોઠારિયા)ની હદ આવેલી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ટીપી સ્કિમ નં.39નું અંદાજીત ક્ષેત્રફળ 1506038 ચોરસ મીટર એટલે કે 150.06 હેક્ટરનું રહેશે. જેમાં ઉત્તરે દિશામાં ટીપી સ્કિમ નં.38ની હદ આવેલી છે. જ્યારે દક્ષિણ દિશામાં ખોખળદળ ગામના સર્વે નંબર, પૂર્વ દિશામાં ખોખળદળ નદી, કોઠારિયા તથા લાપાસરી ગામના સર્વે નંબર જ્યારે પશ્ર્ચિમે કોઠારિયાના સર્વે નંબરનો સમાવેશ થાય છે. આગામી 19મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં કોઠારિયા વિસ્તારમાં બે નવી ટીપી સ્કિમો બનાવવા માટે ઇરાદો જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબ 9 મહિનામાં ટીપી બનાવી સરકારમાં રજૂ કરી દેવાની હોય છે. સરકારમાં રજૂ કર્યા બાદ ત્રણ માસમાં જમીનધારકો પાસેથી વાંધા-સૂચન મંગાવવાના રહે છે. જે સરકારમાં રજૂ કર્યા બાદ પ્રથમ તબક્કે સરકાર દ્વારા પ્રિલીમીનરી ત્યારબાદ ડ્રાફ્ટ અને છેલ્લે ટીપી સ્કિમને ફાઇનલ મંજૂરી આપવામાં આવે છે.
કોર્પોરેશનમાં કુલ 60 ટીપી બનાવી: 32 ફાઇનલ થઇ
કોર્પોરેશન દ્વારા કુલ 60 ટીપી સ્કિમ બનાવવામાં આવી છે. શહેરની હદ સતત વધી રહી છે. ત્યારે વિકાસને અનુરૂપ ટીપી સ્કિમનું નિર્માણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં બનાવવામાં આવેલી કુલ 60 ટીપી સ્કિમ પૈકી 32 ટીપી સ્કિમ ફાઇનલ થઇ ગઇ છે. જ્યારે સાત પ્રિલીમીનરી અને 17 ડ્રાફ્ટ મંજૂર કરાઇ છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ટીપી શાખા દ્વારા શહેરના માધાપર વિસ્તારમાં એક અને મવડી વિસ્તારમાં ત્રણ ટીપી બનાવવામાં આવી છે. જે તાજેતરમાં મંજૂરી અર્થે સરકારમાં રજૂ કરી દેવામાં આવી છે. જો કે, એક યા બીજા કારણોસર સરકાર દ્વારા ટીપીને સમયસર મંજૂરી આપવામાં આવતી ન હોવાના કારણે વિકાસ રૂંધાય રહ્યો છે.
મેયર ડો.પ્રદિપ ડવના કાર્યકાળમાં અડધો ડઝન ટીપી સ્કીમ બની
મેયર ડો.પ્રદિપ ડવના કાર્યકાળમાં છેલ્લા સવા બે વર્ષમાં શહેરના વિકાસના આધાર સ્તંભ એવી ચાર ટીપી સ્કિમ બનાવી દેવામાં આવી છે. હવે કોઠારિયા વિસ્તારમાં વધુ બે ટીપી સ્કિમ બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવામાં આવશે. ગત વર્ષે માધાપર વિસ્તારમાં એક અને મવડી વિસ્તારમાં ત્રણ ટીપી સ્કિમ બનાવવામાં આવી છે. જે તમામ ચારેય ટીપી સ્કિમો રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલી દેવામાં આવી છે. હવે શહેરના પૂર્વ ઝોન વિસ્તારનો વિકાસ કરવા માટે કોઠારિયામાં ટીપી સ્કિમ નં.38 અને 39 બનાવવામાં આવશે. રાજકોટનો ચારેય દિશામાં યોગ્ય વિકાસ થાય તેને પ્રાધાન્ય
આપવામાં આવી રહ્યું છે. મેયર તરીકેનો પ્રદિપ ડવનો કાર્યકાળ આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહ્યો છે. તે પૂર્વે તેઓ હજુ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે.