ડિઝાઇન ફાઇનલ કર્યા પહેલા રૂ.1.58 કરોડ માંગ્યા: શેના પૈસા આપવાના તેની ચોખવટ રેલવે વિભાગ દ્વારા કરાતી નથી: પ્રોજેક્ટ સતત ઘોંચમાં
શહેરના જામનગર રોડ પર આવેલા પાંચ દાયકા જૂના સાંઢીયા પુલનું આયુષ્ય પુરૂં થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી પુલ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા રૂ.60 કરોડના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિઝાઇન પણ રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. પરંતુ સાંઢીયા પુલની નવી ડિઝાઇન મંજૂર કરવામાં રેલવે વિભાગ દ્વારા રોજ નવા-નવા નાટકો કરવામાં આવે છે. ડિઝાઇન મંજૂરી પૂર્વે રેલવે વિભાગે કોર્પોરેશન પાસે રૂ.1.58 કરોડની માંગણી કરી છે. આ પૈસા શેના ચૂકવવાના તે અંગે કોર્પોરેશને લેટર લખી પૂછાણ કર્યું છે. છતાં રેલવે દ્વારા કોઇ ઉત્તર આપવામાં આવતો નથી. આગામી દિવસોમાં ફરી કોર્પોરેશન અને રેલવે વિભાગ વચ્ચે બેઠક યોજવી પડે તેવું લાગી રહ્યું છે. દિવાળી સુધી બ્રિજના કામ માટે ટેન્ડર પ્રસિદ્વ કરી શકાય તેવી શક્યતા દેખાતી નથી.
હયાત સાંઢીયા પુલ 50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. જેનું આયુષ્ય પુરૂં થઇ ગયું છે. દરમિયાન મોરબીમાં બનેલી ઝુલતા પુલની દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સાંઢીયા પુલ પર છેલ્લા નવ મહિનાથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને મોટા લોખંડના એંગલ ફીટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશને સાંઢીયા પુલની નવી ડિઝાઇન રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી હતી. પરંતુ તેને કોઇ કારણોસર રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.
અગાઉ ડિઝાઇનમાં ફેરફાર સૂચવવામાં આવ્યા હતા. જે ફેરફારો કોર્પોરેશન દ્વારા કરી નવી ડિઝાઇન પણ મહિનાઓ પહેલા રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે રૂ.1.58 કરોડની માંગણી કરવામાં આવી છે. આ રકમ ચૂકવ્યા બાદ જ સાંઢીયા પુલની ડિઝાઇન મંજૂર થશે. તેવું જણાવવામાં આવ્યું છે. દરમિયાન કોર્પોરેશન અધિકારીઓ દ્વારા રેલવે વિભાગને પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં એવું પૂછાણ કરવામાં આવ્યું છે કે રૂ.1.58 કરોડ શેના આપવાના થાય છે. ઇન્સ્પેક્શન ચાર્જ છે?, સુપરવિઝન ચાર્જ છે?, લેવી કે અન્ય કોઇ પ્રકારના ચાર્જ છે? તેની વિગત આપવા જણાવ્યું છે.
આ પત્ર લખ્યાને પણ એકાદ પખવાડીયું વિતી જવા છતાં રેલવે વિભાગ દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. હવે એકાદ-બે દિવસમાં જવાબ ન આવે તો ફરી કોર્પોરેશન દ્વારા રીમાઇન્ડર લેટર લખવામાં આવશે. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયા અને રામભાઇ મોકરિયાની મધ્યસ્થીથી કોર્પોરેશન અને રેલવે વિભાગ વચ્ચે સાંઢીયા પુલ બ્રિજ માટે ફરી બેઠક યોજવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે.
છેલ્લા સાતેક માસથી સાંઢીયા પુલનો પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો છે. પ્લાનિંગ ડિઝાઇનના તબક્કે આવ્યા બાદ પ્રોજેક્ટ આગળ વધી શકતો નથી. ડિઝાઇન મંજૂર કરવામાં રેલવે વિભાગ દ્વારા દિવસ ઉગેને રોજ નવા-નવા નાટકો કરવામાં આવે છે. જેના કારણે કોર્પોરેશનના અધિકારીઓ પણ તોબા પોકારી ગયા છે. બીજી તરફ સાંઢીયા પુલ બ્રિજ પરથી ભારે વાહનો માટે અવર-જવર પર પ્રતિબંધ હોવાના કારણે ટ્રાફીકજામની સમસ્યા પણ સર્જાઇ છે. ઉચ્ચ અધિકારીઓ સાથેની મિટિંગ અને આદેશ છતાં રેલવેના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઇ એક યા બીજા કારણોસર બ્રિજની ડિઝાઇન રજૂ કરવામાં આવતી નથી અને નવી માંગણી કરવામાં આવી રહી છે.