કુવાડવા રોડ પાસે રૂ. 6.54 કરોડની કિંમતની સરકારી જમીન ઉપરથી પૂર્વ મામલતદાર દ્વારા દબાણ હટાવાયું છે. અંદાજે 20 હજાર ચો.મી.જગ્યા ઉપરથી 5 જેટલા રેતીનો વેપલો કરતા તત્વોને તંત્રએ ખદેડયા છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ નજીક ગુરુદેવ પાર્ક મેઈન રોડ ઉપર ફોર્જ એન્ડ ફોર્જ નામના કારખાના પાસે આવેલ યુએલસીના પ્લોટ ઉપર દબાણ ખડકાયેલ હોય તેને દૂર કરવા માટે પૂર્વ મામલતદાર આર.બી. ગઢવી દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી.
3271 ચો.મી.જગ્યા ઉપરથી 5 જેટલા રેતીનો વેપલો કરતા તત્વોને મામલતદાર પૂર્વએ ખદેડયા
સર્વે નં. 91 પૈકીની ટીપી સ્કીમ નં.8ની એફપી નં55ની અંદાજે 3271ચોરસ મીટર જગ્યા ઉપર 5 જેટલા રેતીનો વેપલો કરતા તત્વોએ અડ્ડો જમાવ્યો હતો. આ તમામ સામે જરૂરી નોટિસની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ પૂર્વ મામલતદાર તંત્ર દ્વારા આજે ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં બુલડોઝર અને ટ્રેકટરની મદદથી આ જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં હાલ જમીનના એક ચો.મી.ના અંદાજે 20 હજાર રૂ. ભાવ છે. આમ મામલતદાર પૂર્વની ટીમે 6.54 કરોડની બજાર કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી છે.