આજી ડેમમાં હવે માત્ર પખવાડીયાનું જ પાણી, બે દિવસ બાદ રિવ્યુ બેઠક યોજી રાજ્ય સરકાર પાસે ભર ચોમાસે બીજીવાર નર્મદાના નીરની માગણી કરાશે
ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાવાના કારણે શહેરમાં જળ કટોકટીના એંધાણ વર્તાવા લાગ્યા છે. શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય જળાશય એવા આજીમાં હવે માત્ર એક પખવાડિયુ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. ન્યારી અને ભાદરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. હવે જો મેઘરાજા રિજશે નહીં તો નર્મદા મૈયા જ તારણહાર બનશે. આગામી ગુરૂવારના રોજ પાણી વિતરણ વ્યવસ્થા અંગેની એક રિવ્યુ બેઠક યોજવામાં આવશે જેમાં પાણીની સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર પાસે વધુ એક વખત ભરચોમાસે ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માંગણી કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદ ખેંચાવાના કારણે હવે જળ કટોકટી ઉભી થવા પામી છે. અગાઉ મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે આજી અને ન્યારી ડેમમાં એક મહિનાની વૈકલ્પીક વ્યવસ્થા માટે સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકારે સ્વીકાર કરી લીધો હતો અને બન્ને ડેમમાં નર્મદાનું પાણી ઠાલવ્યું હતું. જો કે, ત્યારબાદ પણ અપુરતા વરસાદના કારણે જળ કટોકટી યથાવત રહેવા પામી છે. હાલ આજી ડેમમાં માત્ર 254 એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે જે એક પખવાડિયા સુધી વ્યવસ્થીત સાથ આપી શકે તેમ છે. ત્યારબાદ દૈનિક પાણી ઉપાડવાની શક્તિમાં ઘટાડો થશે. જ્યારે ન્યારી અને ભાદર ડેમમાં નવેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે. આગામી ગુરૂવારના રોજ મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા પાણીની સમીક્ષા કરવા માટે એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભરચોમાસે ફરી એક વખત આજી ડેમમાં નર્મદાનું નિર ઠાલવવા માટે સરકાર સમક્ષ ખોળો પાથરવામાં આવશે.
હાલ મહાપાલિકા અને સિંચાઈ વિભાગ સતત સંપર્કમાં છે. રાજ્ય સરકારની મંજૂરી મળતાની સાથે જ 48 કલાકમાં રાજકોટને નર્મદાનું પાણી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જો કે, આજથી નવી સીસ્ટમ બની છે અને ચોમાસુ સક્રિય થયું છે જેની અસરતળે રાજ્યમાં ફરી એક સપ્તાહ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પર્યાપ્ત માત્રામાં વરસાદ પડી જશે અને જળાશયોમાં પાણીની આવક થશે તો કોઈ સમસ્યા ઉભી નહીં થાય અન્યથા રાજકોટવાસીઓએ ફરી એક વખત પાણી પ્રશ્ર્ને નર્મદાના નીર પર નિર્ભર થઈ જવું પડશે.