કલેક્ટરે જન્માષ્ટમીના લોકમેળા માટે નામો મંગાવ્યા તો એડવોકેટ મનોજ કોટડીયાએ મેળાને વડાપ્રધાનનું નામ આપવાનું કર્યું સૂચન
રાજકોટમાં બે વર્ષના લાંબા અંતરાલ બાદ આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેને અનુરૂપ નામ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરીજનો પાસેથી નામ મંગાવવામાં આવ્યા છે. દરમિયાન શહેરના જાણિતા એડવોકેટ મનોજ બી. કોટડીયાએ જન્માષ્ટમીના લોકમેળાને શ્રીનરેન્દ્ર મોદી લોકમેળો-2022 અથવા નમો લોકમેળો-2022 નામ આપવાનું સૂચન કર્યું છે. સાથોસાથ તેઓએ એ ઉલ્લેખ પણ કર્યો છે કે ઉપરોક્ત પૈકી કોઇપણ નામ આપવામાં આવશે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તે સૌને સ્વિકાર્ય રહેશે.
જન્માષ્ટમીના લોકમેળાને શોભે તેવું નામ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી 30મી જુલાઇ સુધી સૂચન સ્વિકારવામાં આવી રહ્યા છે.
ત્યારે શહેરીજનો દ્વારા મેળાને અનુરૂપ વિવિધ નામો આપવામાં આવી રહ્યા છે. એડવોકેટ મનોજ કોટડીયાએ વર્તમાન સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી બે નામોનું સૂચન કર્યું છે. જેમાં શ્રીનરેન્દ્ર મોદી જન્માષ્ટમી લોકમેળો-2022 અને નમો જન્માષ્ટમી લોકમેળો-2022 એવા નામ સૂચવવામાં આવ્યા છે. સાથોસાથ એવો પણ ઉલ્લેખ પણ કર્યો છે કે આ નામ આપવાથી તે સર્વ સ્વિકૃત નામ હશે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ તે સ્વિકાર્ય રહેશે.