ગુજરાતની સહકારી સંસ્થાઓમાં શિરમોર ગણાતી એવી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લીમીટેડના ચેરમેન શૈલેષભાઇ ઠાકરે ગત શનિવારે બોર્ડ મીટીંગ દરમિયાન અચાનક ચેરમેન પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોર્ડ દ્વારા તેઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દરમિયાન નવા ચેરમેનની નિયુક્તી ન કરવામાં આવે ત્યાં સુધી બેન્કના ચેરમેન પદે વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણી રહેશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
“અબતક” સાથેની વાતચિત દરમિયાન શૈલેષભાઇ ઠાકરે (મો.નં.98242 92241) જણાવ્યું હતું કે, મારા બિઝનેસ પાર્ટનરને સિવિયર હાર્ટ એટેક આવ્યો છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તબિબોના જણાવ્યાનુસાર તેઓને સ્વસ્થ થતા લાંબો સમય વિતી જશે અને ત્યારબાદ પણ લાંબો આરામ કરવો પડશે. મારે ડાય કાસ્ટીંગનું કારખાનું છે. બિઝનેસ પાર્ટનરની તબિયત ખરાબ હોવાના કારણે મારે હવે ફરજિયાત પણે બિઝનેસ માટે વધુ સમય આપવો પડે તેમ છે. બીજી તરફ રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેનની જવાબદારી પણ ખૂબ જ મોટી છે.
અંગત કારણોસર રાજીનામુ આપી દીધુ: બોર્ડ દ્વારા કરાયુ રાજીનામુ મંજૂર, કાર્યકારી ચેરમેન તરીકે જીમ્મી દક્ષિણી કાર્યભાર સંભાળશે
ચેરમેન તરીકે બેન્ક માટે પણ દિવસ દરમિયાન છ થી સાત કલાક આપવી પડે છે. આ તમામ કારણો મેં ગત શનિવારે મળેલી બોર્ડ બેઠકમાં બેન્કના ડિરેક્ટરો અને અમારા વડીલો સમક્ષ રજૂ કર્યા હતા. મને બેન્કના ચેરમેન તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જેનો બોર્ડના તમામ 21 ડિરેક્ટરોએ માન્ય રાખતા મેં શનિવારે જ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. જો કે હું બેન્કના ડિરેક્ટર પદે ચાલુ જ છું. હાલ રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન તરીકેનો ચાર્જ વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણીને સોંપવામાં આવ્યો છે. જ્યાં સુધી નવા ચેરમેનની નિયુક્તી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કાર્યકારી ચેરમેન રહેશે. આગામી દિવસોમાં બોર્ડ બેઠકની તારીખ જાહેર કરવામાં આવશે. જેમાં 21 ડિરેક્ટરો પૈકી કોઇ એકને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હું 12 વર્ષથી આરએનએસબીનો ડિરેક્ટર છું. તા.28/9/2021ના રોજ મારી ચેરમેન તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મને સતત રિપીટ કરવામાં આવી રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં મારા ચેરમેન તરીકેના કાર્યકાળમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લીમીટેડે તમામ જૂના રેકોર્ડ બ્રેક કર્યા છે. વર્ષ-2022-23માં બેન્કે સાર્વધિક 9 હજાર કરોડથી પણ વધુનો બિઝનેસ કર્યો છે અને રેકોર્ડ બ્રેક 145 કરોડનો નફો કર્યો છે. બેન્કના 3.25 લાખ સભા સદોને શ્રેષ્ઠ પરિણામ આવ્યા હોવાનો મને સંતોષ છે.
માત્રને માત્ર અંગત કારણોસર મે ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું છે. અન્ય કોઇ જ કારણ નથી. તેવું તેઓએ ભારપૂર્વક ઉમેર્યું હતું.