દારૂની બાતમી આપતા હોવાની શંકાએ બે શખ્સો છરી વડે તૂટી પડ્યા: બંનેની ધરપકડ
રાજકોટમાં દિનપ્રતિદિન હત્યા અને હત્યાની કોશિશના બનાવો વધતા લોકોને સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે. ત્યારે ગઇ કાલે રાજકોટમાં સમી સાંજે ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાલતનો ખાર રાખી બે શખ્સો પર ખૂની હુમલો કરવાની ઘટના સામે આવી છે. દારૂની બાતમી આપતા હોવાની શંકાએ બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને દબોચી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નં. ૧માં રહેતા હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો . ફરિયાદમાં હરપાલસિંહે જણાવ્યું કે, તે હાલમાં નવાગામ દીવેલીયાપરામાં સાડીના કારખાનામાં મજૂરી કરે છે. આજે સાંજે કામેથી પરત આવી પોપટપરામાં રહેતા મિત્ર અસલમ હનીફ બેલીમ (ઉ.વ.૨૮)ની પાસે ગયો હતો.
ત્યારબાદ બંને ભગવતીપરા બ્રીજની નીચે પહોંચ્યા હતા. આ પછી મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી પાનની દુકાને ફાકી ખાવા જતા હતા. ત્યારે અચાનક ભગવતીપરા મેઇન રોડ પર રહેતા આરોપીઓ સાજન મીઠા પરમાર અને રણજીત ઉર્ફે મહાદેવ સુરેશ મદ્રાસી ધસી આવ્યા હતા. આવીને બંને આરોપીઓએ અસલમને છરીના ઘા ઝીંક્યા હતા.ત જેમાં હરપાલસિંહ વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા ઝીંકી દીધો હતો. પરિણામે બંને લોહીલોહાણ હાલતમાં નીચે પડી ગયા હતા.
તે સાથે જ બંને આરોપીઓ સફેદ કલરનું એક્ટીવા પર ભાગી ગયા હતા. કોઇ રાહદારીએ જાણ કરતા ૧૦૮ આવી પહોંચી હતી જેમાં બંનેને સારવાર સિવિલમાં ખસેડાયા હતા.આરોપીઓએ અસલમને પાછળના ભાગે છરીઓના ઘા ઝીંક્યા હતા. જ્યારે ફરિયાદીને ડાબી આંખના નેણ ઉપર તથા જમણા પગના ગોઠણ ઉપર છરીઓના ઘા ઝીંક્યા હતા.
ભીડભાડ જેવા વિસ્તાર એવા ભગવતીપરામાં સમી સાંજે છરીઓ ઉડતા નાસભાગ મચી ગઇ હતી. જેના પગલે બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આરોપીઓની માહિતી મેળવી ગણતરીના કલાકોમાં જ સાંજન પરમાર અને રણજીત ઉર્ફે મહાદેવને દબોચી લેવાયા હતા. ફરિયાદમાં હ૨પાલસિંહે અસલમને સાજન સાથે જૂની અદાવતના કારણે હુમલો કર્યાનું જણાવ્યું છે. પરંતુ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અસલમે દારૂની બાતમી આપ્યાની શંકા પરથી તેની ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સાજન આ અગાઉ દારૂ અને મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.