‘બધા મને સલામ મારે છે, તુ કેમ દુર ભાગે છે’ કહી છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરતા હોવા છતાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ વ્યક્તિની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગતરાતે દારૂના નશામાં મધ્યપ્રદેશના શખ્સે કેમ સલામ નથી મારતો કહી પરપ્રાંતિય યુવાનને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું યુનિર્વસિટ પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં શિતલ પાર્ક નજીક શાસ્ત્રીનગરમાં લક્ષ્મી નારાયણ નામના ૩૪ વર્ષના પરપ્રાંતિય યુવાનને રાજુ ગૌતમ મીણા નામના શખ્સે છાતીમાં છરીના ઘા મારી હત્યા કર્યાની રાજેશ શ્યામ યાદવે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મુળ મધ્યપ્રદેશના વતન અને રાજકોટમાં કલર કામની મજુરી કામ કરતા લક્ષ્મી નારાયણ શાસ્ત્રીનગરમાં પોતાની ઓરડીમાં ભામેજ રાજેશ શ્યામ યાદવ સાથે હતો ત્યારે રાજુ ગૌતમ મીણા અને સોનુ મીણા બાઇક પર ત્યાં આવ્યા હતા અને બહાર ઉભા રહી રાડો નાખતા હોવાથી લક્ષ્મી નારાયણ તેને સમજાવવા માટે બહાર ગયો હતો. લક્ષ્મી નારાયણને જોઇ વધુ ઉશ્કેરાયેલા રાજુ ગૌતમ મીણાએ મધ્યપ્રદેશના તમામ વ્યક્તિ મને સલામ મારે છે તુ કેમ મારાથી દુર ભાગે છે કહી લક્ષ્મી નારાયણની છાતીમાં છરીનો એક ઘા ઝીંકી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મી નારાયણને સારવારમાં લઇ જવા ૧૦૮ બોલાવી હતી. પણ લક્ષ્મી નારાયણને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજતા યુનિર્વસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. જી.બી.બાંભણીયા, રાઇટર રણજીતસિંહ ઝાલા, યુવરાજસિંહ અને અમીનભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી રાજેશ શ્યામ યાદવની ફરિયાદ પરથી તેના મામા લક્ષ્મી નારાયણની હત્યા અંગે રાજુ ગૌતમ મીણા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
રાજુ ગૌતમ મીણા કલર કામ કરતા પરપ્રાંતિય શ્રમજીવઓને કામ અપાવતો હોવાનું અને શ્રમજીવીઓને અવાર નવાર ધાક ધમકી દઇ પોતે કહે તે મુજબ રહેવાનું કહી દાદાગીરી કરતો હોવાનું જાણવા મળે છે. રાજુ શ્યામ મીણા મધ્ય પ્રદેશના બાવય જિલ્લાના ટીચલી ગામનો વતની હોવાનું અને તે પણ શાસ્ત્રીનગરમાં જ રહેતો હોવાથી પોલીસ સ્ટાફે તેના ઘરે તપાસ કરી હતી પણ ન મળતા તેના રાજકોટમાં રહેતા સગા-સંબંધીઓને ત્યાં પોલીસ સ્ટાફે તપાસ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં નાના મવા સર્કલ પાસે આવેલી લક્ષ્મી સોસાયટીમાં ગત તા.૩ સપ્ટેમ્બરે ત્રણ વર્ષના માસુમ બાળક હેમાંકને તેના પિતા પરેશભાઇ દિનેશભાઇ સાગઠીયાએ દોરીથી ગળુ દાબી મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યાર બાદ ગત તા.૫ સપ્ટેમ્બરે તિ‚પતિ બાલાજી પાર્કમાં રહેતા રવિ કિરીટભાઇ વાડેચા નામના યુવાનને હર્ષદ સુરેશ ચૌહાણ, પ્રશાંત સુરેશ ચૌહાણ અને રૂષિ નેપાળી નામના શખ્સોએ છરીના ૧૮ ઘા ઝીંકી કરાયેલી હત્યાની તપાસ ચાલી રહી છે ત્યાં ગતરાતે શાસ્ત્રીનગરમાં લક્ષ્મી નારાયણ નામના પરપ્રાંતિય યુવાનની હત્યા થતા છેલ્લા ચાર દિવસમાં ત્રણ હત્યાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.