૬ માસમાં મેલેરિયાનાં ૫૦,૫૪૦ કેસો નોંધાયા હોય તો રાજકોટ દેશનું મેલેરિયાગ્રસ્ત શહેર, રોજનાં ૨૮૧ કેસ: રોગચાળાના આંકડા છુપાવવામાં માહિર આરોગ્ય શાખાએ જનરલ બોર્ડમાં નગરસેવકે પુછેલા પ્રશ્ર્નમાં લોચો માર્યાની શંકા
રોગચાળાનાં વાસ્તવિક આંકડા છુપાવવામાં માહિર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને જાણે અસાઘ્ય બિમારી લાગુ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં એક નગરસેવકે છેલ્લા ૬ માસનાં રોગચાળાનાં આંકડાની માહિતી માંગી હતી જેમાં શહેરમાં ૬ માસ દરમિયાન મેલેરિયાનાં ૫૦,૫૪૦ કેસો નોંધાયા હોવાનું આરોગ્ય શાખાએ જણાવ્યું છે. રોગચાળાનાં આંકડા આપવામાં લોચો મારવામાં આવ્યો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. કારણકે જો શહેરમાં ૬ માસમાં મેલેરિયાનાં ૫૦,૫૪૦ કેસ હોય તો રોજનાં ૨૮૧ કેસો નોંધાઈ છે અને આવી પરિસ્થિતિમાં રાજકોટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશનું મેલેરિયાગ્રસ્ત શહેર જાહેર થઈ જાય.
હંમેશા આરોગ્ય શાખા રોગચાળાના સાચા આંકડા જાહેર ન કરવા માટે કંકાયેલી છે પરંતુ ડેન્ગ્યુનાં કેસોમાં ઘટાડો નોંધાયા બાદ આરોગ્ય શાખાનાં અધિકારીઓ ઉત્સાહનાં અતિરેકમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જનરલ બોર્ડમાં એક નગરસેવકે રોગચાળાનાં છેલ્લા છ માસનાં આંકડાઓ માંગ્યા હતા જેમાં મેલેરિયાનાં ૫૦,૫૪૦ કેસો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે મહાપાલિકા દ્વારા રોગચાળાનાં સાપ્તાહિક આંકડા જાહેર કરવામાં આવે છે જેમાં મેલેરિયાનાં વધીને ૩ થી ૪ કેસ બતાવવામાં આવે છે. શહેરમાં મહિને દહાડે મેલેરિયાનાં માંડ ૧૫ થી ૨૦ કેસો નોંધાય છે. આવામાં ૬ માસમાં વધીને મેલેરિયાનાં ૧૦૦ થી ૧૨૦ કેસો હોય તેવું માનવામાં આવે છે પરંતુ ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય રોગચાળાને નાથવા માટે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલી આરોગ્યલક્ષી કામગીરીમાં તાવનાં સામાન્ય કેસમાં દર્દીનાં લોહીનાં નમુના લેવામાં આવ્યા છે તે તમામને મેલેરિયામાં ખપાવી દેવામાં આવ્યા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. સામાન્ય રીતે લોહીનાં નમુનાનો રીપોર્ટ આવે અને લેબોરેટરી ટેસ્ટીંગમાં મેલેરિયા હોવાનું જાહેર કરાય તો જ તેને મેલેરિયાનો દર્દી ગણાવી શકાય છે પરંતુ આરોગ્ય શાખાએ ઉત્સાહનાં અતિરેકમાં ઉધુ માર્યું હોય તેવું લાગી રહ્યું છે.
છ મહિના એટલે કે ૧૮૦ દિવસમાં મેલેરિયાનાં ૫૦,૫૪૦ કેસ દર્શાવવામાં આવ્યા છે જેનો સીધો મતલબ એવો થાય છે કે શહેરમાં રોજ મેલેરિયાનાં ૨૮૧ કેસો મળી આવે છે જો આ વાસ્તવિક હકિકત હોય તો રાજકોટ દેશનું મેલેરિયાગ્રસ્ત શહેર જાહેર થવું જોઈએ અને મેલેરિયાને નાથવા માટે અહીં માત્ર રાજય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકારે પણ આરોગ્યની ટીમો ઉતારી દેવી જોઈએ. દર સપ્તાહે રોગચાળાનાં રીપોર્ટમાં મેલેરિયા કરતા ડેન્ગ્યુનાં કેસો વધુ દર્શાવવામાં આવે છે. નગરસેવકને રોગચાળાની જે માહિતી આપવામાં આવી છે તેમાં ડેન્ગ્યુનાં છેલ્લા છ માસમાં ૧૭૮૬ કેસો નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જયારે ઝાડા-ઉલ્ટીનાં ૮૧૩૯, મરડાનાં ૨૩૦, કમરાનાં ૫૪૬, ટાઈફોઈડનાં ૪૦૬૮, ન્યુમોનિયાનાં ૧૮ અને અન્ય તાવનાં ૮૨૩૩ કેસો જયારે ચિકનગુનિયાનાં માત્ર ૨ કેસ જ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં સામાન્ય તાવ અને શરદી-ઉધરસ કરતા મેલેરિયાનું પ્રમાણ ૮ ગણુ વધુ હોય તેવું જાહેર કરાયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા છ માસ દરમિયાન શહેરમાં નોંધાયેલા મેલેરિયાનાં જે ૫૦,૫૪૦ કેસો જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોટી ક્ષતિ રહી ગઈ હોવાની પુરેપુરી સંભાવના છે. સામાન્ય દિવસોમાં પણ રોગચાળાની માહિતી છુપાવતી આરોગ્ય શાખા નગરસેવકને સાચા આંકડાઓ આપે તે વાતમાં પણ માલ નથી.
હું રજા પર છું, ડીએમસી કે આરોગ્ય અધિકારીને પુછો: મ્યુનિ.કમિશનર
શહેરમાં છેલ્લા છ માસ દરમિયાન મેલેરીયાના ૫૦૫૪૦ કેસ નોંધાયા હોવાની વાત સાચી છે તે અંગે જ્યારે ‘અબતક’ સાંધ્ય દૈનિકે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું આગામી ૧લી જાન્યુઆરી સુધી અંગત કારણોસર રજા પર છું, તમારે આ અંગે વધુ માહિતી જોઈતી હોય કે પુછપરછ કરવી હોય તો ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પ્રજાપતિ કે નંદાણી અથવા આરોગ્ય શાખાના અધિકારીને પુછો. મેલેરીયાના સાચા આંકડા જાહેર કરવા અંગે મ્યુનિ.કમિશનરે જાણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું જોવા મળ્યું હતું.
મેલેરીયાના માત્ર ૩૩ કન્ફ્રર્મ કેસ, ૫૦૫૪૦ લોહીના નમુના લેવાયા છે: ડો.વિરડીયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. રીંકલ વિરડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિના દરમિયાન શહેરમાં સાદા મેલેરીયાના ૨૬ અને ઝેરી મેલેરીયાના ૭ સહિત કુલ ૩૩ કન્ફ્રર્મ કેસ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરીયા હોય શકે તેવું નોટીંગ સાથે તાવના ૫૦૫૪૦ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા રાજકોટ શહેર ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણપર્ણે મેલેરીયા મુકત બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેનાં કારણે આરોગ્ય કેન્દ્રમાં જે તાવના દર્દી આવે અને તેનામાં મેલેરીયાના એક પણ ચિન્હ જોવા મળે તો તેના લોહીના નમૂના લેવામાં આવતા હોય છે. છેલ્લા છ મહિનામાં મેલેરીયાના માત્ર ૩૩ કેસ જ નોંધાયા છે. ૫૦૫૪૦ મેલેરીયાના કેસો નોંધાયા હોવાની વાત પાયાવિહોણી છે. વાસ્તવમાં જે આંકડાઓ આપવામાં આવ્યા છે તે તાવના દર્દીના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા તે છે પરંતુ આંકડાઓનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે.
મેલેરીયાના ૫૦૫૪૦ કેસ છે, છે અને છે જ: આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર
મહાપાલિકાની આરોગ્ય સમીતીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા છ માસ દરમિયાન શહેરમાં મેલેરીયાના ૫૦૫૪૦ કેસો નોંધાયા હોવાની વાત સાચી છે. આ હાઈએસ્ટ ફીગર છે જેમાં ઘટાડો કરવા માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. ૨૦૨૦માં રાજકોટ મેલેરીયા મુકત શહેર બને તે માટે મહાપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે. એટલે આ વર્ષે તાવના કેસો જોવા મળે તે દર્દીના તરત લોહીના નમુના લઈ તેનું પરિક્ષણ કરવામાં આવે છે. આંકડો ભલે મોટો લાગતા હોય પરંતુ વાસ્તવમાં મેલેરીયાના ૫૦૫૪૦ કેસ હોવા સામે કોઈ જ શંકા ઉભી થતી નથી. આગામી દિવસોમાં મેલેરીયાનો રોગચાળો ઘટે તે માટે દવાનો છંટકાવ કરવા, અસરગ્રસ્ત વિસ્તારમાં કેમ્પો કરવા અથવા મોબાઈલ ડિસ્પેન્શરી કેમ્પ યોજવા સુચના આપી દેવામાં આવી છે. હવે ક્યારેય મેલેરીયાના આટલા મોટી સંખ્યામાં કેસો ન નોંધાય તે બાબત પર ધ્યાન રાખી જરૂરીયાત મુજબના પગલા લેવામાં આવશે.
તો વર્લ્ડ રેકોર્ડ બને, આંકડાઓનું ઉંધુ અર્થઘટન કરાયું છે: ડો.પી.પી.રાઠોડ
કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, સામાન્ય તાવ અને મેલેરીયાના ચિન્હો એક સમાન હોય છે. આવામાં આરોગ્ય કેન્દ્રમાં જ્યારે કોઈ તાવનો દર્દી સારવાર લેવા આવે ત્યારે પ્રીઝમેટીવ ફોર્મ ભરાવી તેનો લોહીનો નમૂનો લેવામાં આવતો હોય છે અને એલ ફોર્મ એટલે કે લેબોરેટરી કન્ફ્રર્મ આવે ત્યારે જ મેલેરીયા કન્ફ્રર્મ ગણવામાં આવતો હોય છે. છેલ્લા છ માસ દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦૫૪૦ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને શંકાસ્પદ મેલેરીયા હોય શકે તેવું નોટીંગ કરવામાં આવ્યું છે. જો શહેરમાં ૫૦૫૪૦ મેલેરીયાના કેસ હોય તો તે એક વર્લ્ડ રેકોર્ડ બની જાય અને શહેર મેલેરીયાગ્રસ્ત જાહેર કરવું પડે. નગરસેવકે જનરલ બોર્ડ જે પ્રશ્ર્ન પુછયા છે તેના જે જવાબ આપવામાં આવ્યા છે તે આંકડાનું ઉંધુ અર્થઘટન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે તો ડેન્ગ્યુ કરતા પણ મેલેરીયાના કેસ ઓછા છે. આરોગ્ય કેન્દ્રો ખાતે રોજ ૩૦૦ થી ૪૦૦ ઓપીડી થતી હોય છે અને તાવમાં બ્લડ સેમ્પલ લેવામાં આવે તેમાં શંકાસ્પદ મેલેરીયા હોય શકે તેવું નોટીંગ કરવામાં આવતું હોય છે. માટે જે આંકડા આપવામાં આવ્યા છે તે મેલેરીયાના નથી પણ તાવના જે દર્દીના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે તે છે. આંકડાઓનું ઉંધુ ર્અઘટન કરવામાં આવ્યું છે.