આઠ વાર યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યું માત્ર એકવાર સત્તા સુખ: બે વખત સત્તા નજીક પહોંચી પરંતુ સિંહાસન ન મળ્યું
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. આગામી સોમવારથી તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગ ફતેહ કરવા પોતાના લડવૈયાઓ પણ મેદાનમાં ઉતારવા માંડશે. 2015 જેવો માહોલ ન હોવા છતાં પંજાના પ્રતીક પરથી ચૂંટણી લડી નગરસેવક બનવાના અભરખા કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહ્યા છે.સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડવાઇઝ 15 થી વધુ લોકોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી રજુ કરી છે.આજના સંભવિતો અને આવતીકાલના લડવૈયાઓ શું કોંગ્રેસને મહાપાલિકાના ઇતિહાસમાં બીજી વખત સત્તાના સિંહાસન સુધી પહોંચાડી શકશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
સેનાપતિ મજબૂત પરંતુ સંકલન અને સંગઠન માળખાના અભાવના કારણે કોંગ્રેસ આ વખતે કોર્પોરેશન ફતેહ કરવા કોંગ્રેસે કાળી મજૂરી કરવી પડશે
રાજકોટને મહાનગરપાલિકાનો દરજજોની મળ્યા બાદ 1973 બાદ આઠવાર સામાન્ય ચૂંટણી યોજાઇ છે.જેમાં સાત વખત ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થયુ છે.જ્યારે રાજકોટવાસીઓએ એક વખત કોંગ્રેસને શાસનની ધૂરા સોંપી છે. બે વખત કોંગ્રેસ સત્તાની નજીક ચોક્કસ પહોંચ્યું હતું પરંતુ સિંહાસન પર બિરાજમાન થઈ શક્યું નથી. 2015માં યોજાયેલી મહાપાલિકાની આઠમી સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી. શહેરના 18 વોર્ડ પૈકી 17 વોર્ડની મત ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંન્ને 34-34 બેઠકો જીતીને લગોલગ ચાલી રહ્યા હતા.જો કે વોર્ડ નંબર 6 ના મતદારો અને નસીબે સાથ ન આપતા કોંગ્રેસ સત્તા વિહોણી રહી હતી. માત્ર ચાર બેઠકની પાતળી બહુમતી હોય ભાજપને સત્તા ચલાવવામાં કોંગ્રેસ મોઢે ફીણ લાવી દેશે તેવું લાગી રહ્યું હતું પરંતુ પાંચ વર્ષ ભાજપે વટભેર શાસન કર્યું કોંગ્રેસના નગરસેવકને પણ તોડ્યા તથા પેટા ચૂંટણીમાં બે બેઠકો પણ આંચકી લીધી.
2015 જેવો માહોલ ન હોવા છતાં આ વખતે પંજાના પ્રતીક પરથી ચૂંટણી લડવા કોંગ્રેસમાં વોર્ડ વાઈઝ સરેરાશ 15થી વધુ દાવેદાર
દર વખતે ચૂંટણી સમય કોંગ્રેસમાં “હમ સાથ સાથ હે” ના સુર વાગે છે. પરંતુ ઉમેદવારોના નામો ની જાહેરાત થતાની સાથે જ” હમ આપકે હે કોન” જેવો માહોલ સર્જાય છે અને ફરી જૂથવાદ લબકારા લેવા માંડે છે. 2015 જેવું સાનુકૂળ વાતાવરણ નથી છતાં આ વખતે કોંગ્રેસના પ્રતીક પરથી ચૂંટણી લડી નગરસેવક બનવા માટે વોર્ડવાઇઝ 15થી વધુ કાર્યકરોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી છે. જોકે નિરીક્ષકોએ વોર્ડવાઇઝ આઠથી દસ નામોની પેનલ બનાવી છે.ઊમેદવાર ફાઇનલ કરવા સ્ક્રિનિંગ કમિટીની બેઠક પણ મળી ગઇ છે.હવે માત્ર ઉમેદવારોના નામ જાહેર થાય તેની વાટ છે. અમુક વર્ડ કોંગ્રેસના ગઢ માનવામાં આવે છે જેમાં વોર્ડ નંબર 3 અને 15નો ખાસ સમાવેશ થાય છે.વોર્ડ નંબર 3 માં આ વખતે માધાપરનો સમાવેશ થતા આ રસાકસી જામે તેવું લાગી રહ્યું છે તો વોર્ડ નંબર 15 તો આજની તારીખે કોંગ્રેસનો ગઢ જ મનાઈ છે.ગત ચૂંટણીમાં કોંગ્રેસ 18 પૈકી છ વોર્ડમાં ભાજપના સુપડા સાફ કરી નાખ્યા હતા અને અહીં સમ ખાવા પૂરતી એક પણ બેઠક ભાજપને મળી ન હતી જ્યારે વોર્ડ નં. 4,13 અને 17 માં ચાર પૈકી ભાજપને માત્ર એક-એક બેઠકથી સંતોષ માનવો પડયો હતો.આ વખતે મહાપાલિકામાં આવું પરફોર્મન્સ આપવા કે સત્તાનું સિંહાસન મેળવવા માટે કોંગી કાર્યકરોએ રાત દિવસ કાળી મજૂરી કરવી પડશે.કોંગ્રેસ પાસે મજબૂત સેનાપતિ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ સંકલન અને સંગઠન માળખાના અભાવના કારણે કાળી મજૂરી કરવા છતાં પક્ષને ધારી સફળતા મળતી નથી બધુ ગોઠવાઈ ગયા બાદ જેવા
ઉમેદવારોના નામ જાહેર થાય છે કે તરત જ તમામ વ્યવસ્થા પતાની મહેલની માફક તૂટે પડે છે.
અપેક્ષિત હોવા છતાં જે કાર્યકરને સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ મળી નથી હોતી તે પછી પક્ષ સામે જ બગાવતનું બ્યુગલ ફૂંકે છે. અને પરિણામે પરાજયનું મોઢું જોવું પડે છે.આ વખતે મહાપાલિકાની ચૂંટણી ત્રણ મહિના પછી ઠેલાતા કોંગ્રેસને તૈયારીનો પૂરતો સમય મળ્યો છે.પરંતુ હવે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કોંગ્રેસ ભાજપને પરાજિત કરવા એકજૂટ બનીને લડે તે પણ એટલું જ મહત્વનું છે.
આ છે કોંગ્રેસની કઠણાઈ: પાંચ વર્ષમાં વિપક્ષી નેતા પણ ન બદલી શકી, સ્ટેન્ડિંગ સભ્યનું નામ પણ ના આપ્યું
પેટા ચૂંટણીમાં બે બેઠકો પણ ગુમાવી,પૂરતા સભ્યો છતાં શિક્ષણ સમિતિમાં પણ વજન નહીં
મહાપાલિકાના ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકોના કારણે સત્તા વિહોણી રહેલી કોંગ્રેસે એવી ડંફાસ હાંકી હતી કે હવે ભાજપને મહાપાલિકામાં શાસન ચલાવવામાં મોઢે ફીણ લાવી દેશુ. એક મજબૂત વિરોધપક્ષ તરીકે અમે સતત કાર્ય કરીશું. દર વર્ષે વિરોધપક્ષના નવા નેતાની નિમણૂક કરવામાં આવશે જો કે આ બધી વાત માત્ર હવામાં જ રહી.પાંચ વર્ષમાં કોંગ્રેસ વિરોધપક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા સિવાય અન્ય કોઈ નગરસેવકને પણ ન મૂકી શકી.આટલું જ નહીં પાંચ વર્ષમાં બે વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં બંને વખતે કોંગ્રેસનો પરાજય થયો અને બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો.પર્યાપ્ત સભ્યો હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ પંજાનું વજન જોવા ન મળ્યુ.
2015 વોર્ડ નં.13માં ભાજપમાંથી બગાવત કરીને આવેલા નિતીન રામાણીને કોંગ્રેસે ટિકિટ આપી પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે નિતીન રામાણી વિજેતા બન્યા હતા.જોકે થોડા સમય બાદ તેઓને કોંગ્રેસ સાથે મનમેળ ન બેસતા ફરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. કોંગ્રેસના કોર્પોરેટર પદેથી તેઓએ રાજીનામું આપી દીધું હતું તે સમયે તેઓ કોંગ્રેસના ક્વોટાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા તેમના રાજીનામા બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી તેઓ ભાજપના નગરસેવક તરીકે વિજેતા બન્યા હતા પરંતુ તેમના રાજીનામાના કારણે સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યની જગ્યા ખાલી પડી હતી તેના માટે બે વર્ષ સુધી કોંગ્રેસે એક પણ સભ્યનું નામ ન આપતા છેલ્લા બે વર્ષ સ્ટેન્ડીંગ કમિટી 12ના બદલે માત્ર 11 સભ્યોથી જ ચાલી હતી. પર્યાપ્ત માત્રામાં સભ્યો હોવા છતાં કોંગ્રેસે શા માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે પોતાના કોર્પોરેટરનું નામ ન આપ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં પણ કોંગ્રેસના પૂરતા સભ્ય હતા છતાં તેઓ તેમાં પણ પોતાનું વજન ઊભો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી વેળાએ વશરામભાઈ સાગઠીયા વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છતાં કોંગ્રેસે તેઓ રાજીનામું સ્વીકાર્યું ન હતું અન્ય કોર્પોરેટને વિપક્ષી નેતા બનવાની જવાબદારી ન સોંપાઈ. પાંચ વર્ષમાં કોંગ્રેસમાં ચાર વાર શહેર પ્રમુખ બદલાયા.જેમાં ચૂંટણી વખતે કુવરજીભાઈ બાવળિયા ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પછી મહેશ રાજપૂત અને છેલ્લે હાલ અશોકભાઇ ડાંગર સેનાપતિ તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. કોંગ્રેસને જેમ એકજૂટ રાખવાનો પ્રયાસ કરવાનું આવે છે તેમ પક્ષ વધુ વિખેરાતો જાય છે.
સોમવારે કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના
ગત ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવાશે: અલગ-અલગ ત્રણ યાદીમાં 72 બેઠકો માટે ઉમેદવાર જાહેર થશે
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું જાહેરનામું આગામી સોમવારે પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. છેલ્લા 15 વર્ષથી મહાપાલિકામાં સત્તા વિહોણી કોંગ્રેસ આગામી સોમવારે અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી સંભાવના દેખાય રહી છે.2015માં જે વોર્ડમાંથી કોંગ્રેસ વિજેતા બન્યું હતું તે વોર્ડ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. ટૂંકમાં જેને રીપીટ કરવાના છે તેના નામની જાહેરાત સોમવારે થાય તેવું દેખાય રહ્યું છે.અલગ અલગ ત્રણ યાદી કોંગ્રેસ 72 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરશે.
અમુક એવી બેઠકો છે કે જ્યાં જ્ઞાતિ-જાતિના સમીકરણ અને ચહેરા જોઈને મતદારો મતદાન કરતા હોય છે ત્યાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ફાઇનલ કરશે.રાજકોટ સહિત તમામ છ મહાનગર પાલિકા માટે ઉમેદવારો ફાઇનલ કરવા સ્ક્રિનિંગ કમિટીની બેઠકએ મોટાભાગનું હોમવર્ક આટોપી લીધું છે.હવે માત્ર ઉમેદવારોના નામના ખાનામાં નામ લખવાના જ બાકી રહ્યા છે. જે વોર્ડમાં કોઈ વિરોધ થાય તેવી સંભાવના નથી.તેવા વોર્ડ માટે કોંગ્રેસ સોમવારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દે તેવું સૂત્ર જણાવી રહ્યા છે.પ્રથમ યાદીમાં નામો જાહેર કરવામાં આવશે અલગ-અલગ ત્રણ યાદીમાં કોંગ્રેસ 72 ઉમેદવારોના નામો જાહેર કરશે આ વખતે ભલે પક્ષ દ્વારા એવું કહેવામાં આવતું આવી રહ્યું હોય કે તમામ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. પરંતુ તે કોંગ્રેસમાં મોટાભાગે કદી શક્ય હોતું નથી. આવામાં અમુક ઉમેદવારોને ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે જ આદેશ આપી દેવામાં આવશે.
ગત ચૂંટણીમાં જે 34 નગરસેવકો ચૂંટાયા હતા.તેમાંથી નિતીન રામાણી ભાજપમાં જતા રહ્યા છે. જ્યારે બે કોર્પોરેટરનું અવસાન નીપજ્યું હતું.અન્ય એક એ પણ ચૂંટણી જાહેર થયા બાદ કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો.આવવામાં હવે બાકીના 30 પૂર્વ કોર્પોરેટર(ગત ટર્મમાં જીતેલા) છે. તેમાંથી મોટાભાગના અને કોંગ્રેસ રીપીટ કરે તેવું હાલ દેખાય રહ્યું છે.
જીતની હેટ્રીક ફટકારનાર અતુલ રાજાણી વોર્ડ નં. 3માંથી 2માં ઝંપ મારશે
વોર્ડમાં પુરુષોની બે બેઠકો પૈકી એક બેઠક ઓબીસી અનામત જાહેર થતા અને સીમાંકન ફરતા વોર્ડ બદલાવવાનો નિર્ણય લીધો: અતુલ રાજાણી
રાજકોટ મહાપાલિકાની છેલ્લી ત્રણ ચૂંટણીથી વોર્ડ નં.3 કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. વોર્ડમાં 108ની ખ્યાતિ મેળવનાર કોંગ્રેસના યુવા નેતા અતુલભાઈ રાજાણી છેલ્લા ત્રણ ટર્મથી સતત જંગી લીડ સાથે ચૂંટણી જીતી રહ્યા છે. આ વખતે વોર્ડની પુરુષોની બે બેઠકો બેઠકો છે તે પૈકી એક બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત માધાપર ગામ રાજકોટમાં ભળતા વોર્ડનું સીમાંકન પણ કર્યું છે. જેના કારણે વોર્ડમાંથી જીતની હેટ્રીક ફટકારનાર અતુલભાઈ રાજાણીએ આ વખતે વોર્ડ નં.2 માંથી ટિકિટ માંગી છે.
વોર્ડ નં.3ની ચારેય બેઠકો પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા હતા. માધાપર સહિત ચાર ગામોનો રાજકોટ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવામાં માધાપરના મોટાભાગના બૂથનો વોર્ડ નં.3માં સમાવેશ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત વોર્ડની પુરુષોની બે બેઠક પૈકી એક બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવી હોય અતુલભાઈ રાજાણી આ વખતે વોર્ડ નં.3ને બદલે વોર્ડ નં.બે માંથી પોતાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી છે. તેઓની સાથે અન્ય પુરૂષ ઉમેદવાર તરીકે રાજદીપસિંહ જાડેજા નું નામ પણ ચર્ચામાં છે. અતુલભાઇ જો વોર્ડ નંબર 2 માં ચૂંટણી લડશે તો આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ફાઇટ થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.