- સ્માર્ટ સિટીનું સપનું સાકાર કરવા રાજકોટવાસીઓએ વધુ “કાવડીયા” ચુકવવા પડશે
અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટવાસીઓ પર ફરી લદાયો ફાયર ટેક્સ: મિલકત વેરામાં પણ કરાયો વધારો: ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ રહેણાંક હેતુની મિલકતોમાં ચાર ગણો જ્યારે કોમર્શિયલ મિલકતોમાં બમણો કરવાની દરખાસ્ત
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2024/2025નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2025/2026નું અંદાજપત્ર રજૂ કર્યું: અનેક નવી યોજનાઓની બજેટમાં કરાય ઘોષણા
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024/2025નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2025/2026નું સામાન્ય અંદાજપત્ર મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું છે. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂ.3112.29 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર 150 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. અગ્નિકાંડની ઘટના બાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેની સાથે શહેરીજનો પર નવો ફાયર ટેક્સ પણ લાદવાની ભલામણ કરવામાં આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી માટે રોયલ વ્યવસ્થાનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ ગાર્બેજ કલેક્શન ચાર્જમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. જ્યારે મિલકત વેરામાં હાલ પ્રતિ ચોરસ મીટર વસૂલાતા ચાર્જમાં પણ વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટના વિકાસને ધ્યાન રાખીને અનેક નવી યોજનાની પણ ઘોષણા આજે ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા કરવામાં આવી છે.
આજે સવારે 9:30 કલાકે નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ પોતાનું પ્રથમ બજેટ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. વર્ષ-2024/2025નું રૂ.2831.91 કરોડનું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2025/2026નું રૂ.3112.29 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં શહેરીજનો પર નવો 150 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વિકાસ પ્રક્રિયાનો અંતિમ ધ્યેય નાગરિકોની પ્રગતિ અને સુખ-સુવિધામાં સતત વધારો કરવાનો હોય છે. રાજકોટ મહાનગરપાલિકાને રંગીલું રાજકોટની ઉપમા આપવામાં આવી છે. જેના સિધ્ધાંત અનુસરી અમે આગળ વધવા પ્રતિબધ્ધ છીએ. શહેર ખરા અર્થમાં વસવાટ પાત્ર અને જીવવા લાયક છે તેવો લોકમાનસમાં દ્રઢ વિશ્ર્વાસ ઉભો થયો છે. જેના કારણે અમે નવી-નવી પ્રગતિની ટકોર પૂરી પાડીએ છીએ. નાગરિકોને સામાજીક, વ્યક્તિગત સુખાકારી, પીવાનું પાણી, ખોરાક, રહેઠાંણ, પરિવહન, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં રાજકોટ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે વિકસિત ભારત ઽ2047 નો જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહ્યા છે. જેને આગળ વધારવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. રાજકોટ મહાપાલિકા પણ સરકારના પૂર્ણ સાથ અને સહકારને અનુસરી રહી છે. આગામી સમયમાં થનારા પરિવર્તનો લોકોને દેખાશે. સાથોસાથ તેની અનુભૂતિ પણ થશે. ઝડપી શહેરીકરણની પ્રક્રિયાની અસરો રાજકોટમાં વર્તાઇ રહી છે.
તેઓએ ઉમેર્યું હતું કે મહાપાલિકાની હદ અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોર્પોરેશનનું કાર્યક્ષેત્ર અને જવાબદારીમાં વધારો થયો છે. શહેરીજનોની અપેક્ષા પણ વધી છે. જેને ધ્યાનમાં રાખી અંદાજપત્રમાં વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. લાયાબીલીટી ઇન્ડેક્સમાં વધારો કરવાનો અમારો પ્રયાસ છે. રાજકોટ મહાપાલિકાએ શહેરની વિકાસ પ્રક્રિયા માટે ટૂંકાગાળાની, મધ્યમગાળાની અને લાંબાગાળાની વિકાસલક્ષી પ્રક્રિયાની વ્યૂહરચના અપનાવતી હોય છે. નવા વર્ષના બજેટમાં પણ તેને અનુરૂપ વિકાસ પ્રકલ્પો પર ભાર મૂકવામાં આવ્યો છે. પીવાનું પાણી, ડ્રેનેજ, રસ્તા, ઇ-ગવર્નન્સ, શહેરી પરિવહન, પર્યાવરણ, જાહેર સ્વચ્છતા, આરોગ્યલક્ષી સેવા, સામાજીક અને સાંસ્કૃત્તિક વિકાસ સહિતના પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે રંગીલા રાજકોટની વિકાસગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા માટે સતત હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડમેપની આછેરી ઝલક વર્ષ-2025/2026ના રૂ.3112.29 કરોડના બજેટમાં રજૂ કરવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે નવા નાણાકીય વર્ષના બજેટમાં શહેરીજનો પર રૂ.150 કરોડનો નવો બોજ લાદવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા વર્ષ-2018 થી મકાન વેરામાં કાર્પેટ એરિયા આધારિત પધ્ધતિની અમલવારી કરવામાં આવી છે. હાલ રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.11 મુજબ મિલકત વેરો વસૂલ કરવામાં આવે છે. જ્યારે બિન રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.25 ચાર્જ વસૂલ કરવામાં આવે છે. નવા વર્ષમાં રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.11ના બદલે રૂ.15 વસૂલવા અને બિન રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.25ના બદલે રૂ.30 વસૂલવા સૂચવવામાં આવ્યું છે. જેનાથી વાર્ષિક રૂ.40 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ વધારો સૂચવાયો છે. રહેણાંક હેતુની મિલકતનો ચાર્જ રૂ.365 થી વધારી 1460 કરવા અને બિન રહેણાંક હેતુની મિલકતમાં ગાર્બેજ કલેક્શન ચાર્જ હાલ જે રૂ.1430 છે તે વધારી રૂ.2920 કરવાની દરખાસ્ત કરાય છે. જેનાથી 55 કરોડની વધુ આવક થશે. ફાયર ટેક્સની પણ હવે શહેરીજનો પાસેથી વસૂલાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા ફાયર ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરાની વસૂલાત બાદ છેલ્લા સાત વર્ષથી ફાયર ટેક્સ બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નવા ફાયર સ્ટેશનનું આધુનીકરણ, પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ, અગ્નિ રોકઠામ કાર્યક્રમ, ડિઝાસ્ટર, રિઝીલીઅન્ટ કેપેસિટી અને ઝીરો કેઝ્યુઆલીટી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ફાયર સેવા માટે કોર્પોરેશનને રૂ.152 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આવામાં રહેણાંક હેતુની મિલકતોમાં પ્રતિચોરસ મીટર રૂ.15 અને બિન રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.25 ફાયર ચાર્જ વસૂલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નવા બજેટમાં બ્રિજ, બિલ્ડીંગ નિર્માણ, ફાયર સ્ટેશન બનાવવા, બાગ-બગીચા બનાવવા, ઇન્સ્ટ્રાક્ચર અને બ્યૂટીફીકેશનનું કામ, નવી લાયબ્રેરી, પુલ અને નાલા, રસ્તાના કામ, આરોગ્ય કેન્દ્રનું બાંધકામ, શાળાનું બાંધકામ, નવી વોર્ડ ઓફિસ, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા અને ડ્રેનેજના કામો માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે વર્ષ-2025/2026નું રૂ.3112.29 કરોડનું બજેટ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સમક્ષ રજૂ કર્યું હતું. આ વેળાએ મેયર નયનાબેન પેઢડિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા. આગામી સોમવારથી ખડી સમિતિ દ્વારા બજેટ પર અભ્યાસ શરૂ કરવામાં આવશે. સંભવત: 10મી ફેબ્રુઆરીએ સ્ટેન્ડિંગ દ્વારા બજેટને બહાલી આપી દેવામાં આવશે. વર્તમાન બોર્ડના અંતિમ વર્ષમાં શાસકો બજેટને ચૂંટણીલક્ષી રંગ આપવાના મૂડમાં હોય મ્યુનિ.કમિશનરે સૂચવેલો રૂ.150 કરોડનો બોજ ફગાવી દેવામાં આવે તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે.
ક્યાં વેરામાં કેટલો વધારો સૂચવાયો
* કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરા પધ્ધતિ હાલમાં રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.11ની વસૂલાત કરવામાં આવે છે. જે વધારીને રૂ.15 કરવાનું સૂચવાયું છે. જ્યારે બિન રહેણાંક હેતુ માટેની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂ.25 વસૂલાય છે. જે વધારીને રૂ.30 કરવાનું સૂચન કરાયું છે. જેનાથી શહેરીજનો પર 40 કરોડ રૂપિયાનો બોજ આવશે.
* ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી સિસ્ટમ સાથેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ રહેણાંક હેતુની મિલકતો પાસેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પેટે રૂ.365 વસૂલવામાં આવે છે. જે વધારીને રૂ.1460 કરવાનું સૂચન કરાયું છે. જ્યારે બિન રહેણાંક હેતુની મિલકત પાસેથી વાર્ષિક રૂ.1430 વસૂલાતો ગાર્બેજ કલેક્શન ચાર્જ વધારીને રૂ.2920 કરવાની ભલામણ કરાય છે. જેના કારણે શહેરીજનો પર 55 કરોડનો નવો બોજો આવશે.
* કાર્પેટ એરિયા આધારિત પ્રોપર્ટી ટેક્સની પધ્ધતિ બાદ 2018થી ફાયર ટેક્સ રદ્ કરવામાં આવ્યો હતો. જો કે, નવા નાણાકીય વર્ષમાં ફાયર ટેક્સ ફરી જીવતો કરવાની ભલામણ કરાય છે. રહેણાંક હેતુની મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર રૂ.15 અને બિન રહેણાંક હેતુની મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર રૂ.25 ફાયર ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરાય છે. જેનાથી રાજકોટવાસીઓ પર 55 કરોડનો બોજો પડશે.